નવસારીમાં તસ્કરોનો આતંક સામો આવ્યો છે. એક જ રાતમાં નવસારીમાં આવેલી એક સોસાયટીના 6 જેટલા બંધ બંગલાના તાળા તોડી 3 જેટલા તસ્કરો કુલ રૂ. 2.75 લાખની ચોરી કરી ફરાર થયા હોવાની ઘટના બની છે. સોસાયટીમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં 3 શંકાસ્પદ યુવાન નજરે પડી રહ્યા છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, નવસારીના છાપરા ગામ રોડ પર આવેલા આહીર વાસની સામેના ઓમ બંગ્લોઝમાં શનિવારે મધરાતે 3 જેટલા શંકાસ્પદ યુવાનો ઘૂસી આવ્યા હતા. સોસાયટી માત્ર 1 વર્ષ જૂની હોવાથી મોટાભાગના બંગલાઓ બંધ અવસ્થામાં છે. ત્યારે તસ્કરોએ સોસાયટીના 2 બંધ બંગલામાં ચોરી કરવા ગયા હતા પરંતુ ત્યાં કોઈ રહેતું ન હોય કોઈ મતા મળી નહોતી. આથી તેઓ અન્ય બંગલામાં ચોરી કરવા માટે ગયા હતા. અનિલભાઈ રાખશિયાના બંગલો નંબર 28ના મુખ્ય દરવાજાનું તાળું તોડી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા અને રોકડ, સોના-ચાંદીના દાગીના સહિત રૂ. 2.70 લાખની ચોરી કરી હતી.
પોલીસ રાતે પેટ્રોલિંગ કરે તેવી માગ
ત્યાર બાદ શિક્ષક મનોજભાઈના બંધ બંગલો નંબર 46માં પ્રવેશી 5થી 6 હજારની રોકડની ચોરી કરી હતી. ઉપરાંત, તસ્કરોએ બંગલા નંબર 26, 37, 39 અને 45ના પણ તાળા તોડ્યા હતા પરંતુ, ઘરમાં કોઈ રહેતું ન હોવાથી ચોરી કરવા માટે કોઇ મતા મળી નહોતી. ઓમ બંગ્લોઝમાં લાગેલા સીસીટીવીમાં 3 જેટલા શંકાસ્પદ યુવાનો નજરે પડી રહ્યા છે. આ મામલે સ્થાનિકો દ્વારા પોલીસ ફરિયાદ કરતા અરજી ન લીધી હોવાની માહિતી મળી છે. ત્યારે પોલીસ રાતે પેટ્રોલિંગ કરે તેવી પણ માગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે. ઉલ્લેનીય છે કે, ઓમ બંગલોઝમાં છેલ્લા 1 વર્ષમાં 3 વાર ચોરીની ઘટનાઓ બની. આથી અહીં સીસીટીવી કેમેરા અને ચોકીદાર પણ તહેનાત કરવામાં આવ્યો છે. તેમ છતાં ચોરીની ઘટનાઓ રોકાતી નથી.