વડોદરાના અકોટામાં સર્વન્ટ ક્વાર્ટરમાં થોડા દિવસ પહેલા એક કોન્ટ્રાક્ટરની લાશ મળી આવી હતી. ઘટનાના 12 દિવસ બાદ મૃતકની 8 વર્ષની પુત્રીના નિવેદનના આધારે ગોત્રી પોલીસે તપાસ આદરી હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે અને હત્યા કરનારા આરોપી અને તેની પત્નીની ધરપકડ કરી છે. પત્ની સાથે આડા સંબંધની શંકાએ આ હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
મીડિયા અહેવાલ અનુસાર, થોડા દિવસ પહેલા અકોટા ખાતે સર્વન્ટ ક્વાર્ટરમાં રહેતી વીણાબેન પરસોતમ રાઠવાએ પોલીસેને જણાવ્યું હતું કે, તેમના પતિ મજૂરો રાખીને કામ કરતા હતા. ગત 10મીએ જ્યારે વીણાબેન કામ અર્થે ઘરેથી બહાર ગયા હતા ત્યારે તેમના પતિ અને 8 વર્ષની પુત્રી ઘરે જ હતા. જો કે, પરત આવીને જોયું તો તેમના પતિ લોહીલુહાણ હાલતમાં નીચે પડેલા હતા અને પુત્રી પગંલ પર બેઠી હતી. આ મામલે ગોત્રી પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મૃતક કોન્ટ્રાક્ટરના ફોનમાંથી સબ કોન્ટ્રાક્ટર નટુ રાઠવા સાથેની ચેટ જોવા મળી હતી, જેમાં પૈસાની માગણી અને ધમકીનો ઉલ્લેખ હતો.
ત્યારબાદ પોલીસે મૃતકની 8 વર્ષની પુત્રીને પૂછતા તેણીએ જણાવ્યું હતું કે, નટુ કાકા અને જીગી કાકી ઘરે આવ્યા હતા અને પાટલી-સાણસીથી હુમલો કર્યો હતો. આથી પોલીસે નટુ રાઠવા અને તેની પત્ની જીગીબેનની ધરપકડ કરી પૂછપરછ આદરી હતી. બંને કબૂલાત કરી જણાવ્યુ હતું કે, આડા સંબંધની શંકાએ 10 સપ્ટેમ્બરના રોજ તે બંને પરષોતમ રાઠવાના ઘરે ગયા હતા અને પરષોતમને માફી માગવાનું કહી, જીગી વીડિયો ઉતારશે તેમ જણાવ્યું હતું. આથી પરષોતમે નટુને લાત મારતા તે પડી ગયો હતો. ત્યાર બાદ બંનેએ પાટલી-સાણસી વડે પરષોતમ પર હુમલો કરી ફરાર થયા હતા. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.