સુરતના હજીરા વિસ્તારમાંથી એક હચમચાવે એવી ઘટના સામે આવી છે. અહીં, તળાવમાં ડૂબા જતા બે સગી બહેનોના મોત નીપજ્યા છે. આ ઘટના બાદ પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જ્યારે હજીરા પોલીસે ઘટના સ્થળે પહોંચી બાળકીઓના મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતા પરિવાજનોએ શોધખોળ આદરી
સુરતના હજીરા વિસ્તારમાં આવેલ AMNS કંપનીના ટાઉનશીપમાં વર્ષોથી રહેતા પરિવારની બે માસૂમ દીકરીઓના મોતથી પરિવારજનો પર આભ ફાટ્યું છે. છ વર્ષની રેણુપ્રિયા મહેન્દ્ર વેરાઈદમ અને નવ વર્ષની કીગુલવેની મહેન્દ્ર વેલાઈદમ ઘર નજીક રમવા ગઈ હતી. દરમિયાન રમતા-રમતા AMNS કંપનીના ટાઉનશીપમાં આવેલા તળાવમાં બંને પડી જતા ડૂબી હતી અને બંનેનું કરૂણ મોત નીપજ્યું હતું. મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતા પરિવાજનોએ બાળકીઓની શોધખોળ આદરી હતી. દરમિયાન બંને બાળકીઓના મૃતદેહ AMNS કંપનીના ટાઉનશીપમાં આવેલ તળાવમાંથી મળી આવ્યા હતા.
બાળકીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલાયા
પરિજનો અને ટાઉનશીપના સ્થાનિકો દ્વારા બંને બાળાઓને તળાવમાંથી બહાર કાઢી તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ લઈ જવાઈ હતી. જો કે, ફરજ પરના ડોક્ટરે બંનેને મૃત જાહેર કરી હતી. બંને સગી માસૂમ બહેનોના મોતથી પરિવાર સહિત સમગ્ર ટાઉનશીપ વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી છે. આ મામલે હજીરા પોલીસે બાળકીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.