સુરતમાં ઇકો સેલે એક મોટી કાર્યવાહી કરી છે. વિદેશથી આવતો માલ કસ્ટમમાંથી છોડાવી મુંબઈના એજન્ટે દોઢ કરોડથી વધુની કસ્ટમ ડ્યૂટીની ચોરી કરી હતી. આ એજન્ટને ઇકો સેલે શહેરના લાલ દરવાજા વિસ્તારમાંથી દબોચી લીધો છે. ઇકો સેલે મુંબઈના કિરણ ભરત ભાનુસાળીની સુરતમાંથી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના ઇકો સેલને બાતમી મળી હતી કે, સચિનની એક દવા બનાવતી કંપનીને મુંબઈના સીએચએ એજન્ટે ચીનથી રૂ.1.91 કરોડના માલની સામે માત્ર 37 લાખ ભરી બાકીના રૂ. 1.54 કરોડના બોગસ બિલ બનાવી કસ્ટમ ડ્યૂટીની ચોરી કરી છે. આથી ઇકો સેલે બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી લાલ દરવાજા વિસ્તારમાંથી સીએચએ એજન્ટ કિરણ ભરત ભાનુસાળીની ધરપકડ કરી છે.
કસ્ટમની નોટિસ બાદ કંપનીએ તપાસ કરતા ભાંડો ફૂટ્યો
માહિતી મુજબ, આરોપીને કિરણને સીએચએ તરીકે રોકવામાં આવ્યો હતો. દરમિયાન કંપનીએ એક વર્ષમાં 1.91 કરોડનો માલ મગાવ્યો હતો, જેની સામે આરોપી કિરણે બોગસ બિલો બનાવી માત્ર 37 લાખ જ ચૂકવ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં કસ્ટમ વિભાગે 1.31 કરોડની નોટિસ ફટકારતા આરોપીએ બોગસ ડોક્યુમેન્ટ રજૂ કર્યા હતા. જો કે, આ નોટિસ બાદ કંપનીએ તપાસ કરતા આરોપી કિરણનું સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. આ મામલે આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.