ગોધરા-વડોદરા હાઈવે રોડ પર આવેલા પોપટપુરા ગામ પાસે બાતમીના આધારે વોચ ગોઠવી ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે શંકાસ્પદ સ્કોર્પિયો ગાડીની અટકાયત કરી તેમાંથી 100 ઉપરાંત અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલોનો જથ્થો જપ્ત કર્યો હતો. વિદેશી દારૂનો જથ્થો, કાર અને મોબાઇલ સહિત કુલ રૂ. 9.34 લાખના મુદ્દામાલ સાથે સ્ટેટ મોનિટરિંગ સેલે એક શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે, મધ્યપ્રદેશથી એક સફેદ કલરની નંબર પ્લેટ વગરની સ્કોર્પિયો કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈ એક શખ્સ વડોદરા તરફ આવી રહ્યો છે. આથી ગોધરા-વડોદરા હાઇવે પર આવેલા પોપટપુરા ગામ પાસે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વોચ ગોઠવી હતી. દરમિયાન ત્યાંથી પસાર થતી શંકાસ્પદ સ્કોર્પિયો કારને રોકી તેમાં તપાસ કરી હતી. કારમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત આશરે રૂ. 4.25 લાખ થતી હતી. પોલીસે ડ્રાઇવરની ધરપકડ કરી હતી.
કાર, મોબાઇલ, રોકડ સહિત રૂ. 9.34 લાખમો મુદ્દમાલ જપ્ત
આ કાર્યવાહી દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલે સ્કોર્પિયો કાર, મોબાઇલ ફોન, રોકડ સહિત કુલ રૂ. 9.34 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે ઝડપાયેલા આરોપી શખ્સ સામે પ્રોહિબિશન સહિતનો ગુનો નોંધી તેની વધુ પૂછપરછ હાથ ધરી છે. આરોપી શખ્સને આ દારૂનો જથ્થો કોણે આપ્યો હતો અને તે કયાં ડિલિવરી કરવાનો હતો તે અંગે જાણવા પોલીસે કાર્યવાહી આદરી છે.