પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ તરીકે ગણાતા અમદાવાદ-મુંબઈ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. માહિતી મુજબ, આ હાઇસ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે અત્યાર સુધી 50 ટકા જેટલું કામ પૂર્ણ થયું છે. અત્યાર સુધી 280 કિમીથી વધુમાં પિલરો મુકાયા છે, જ્યારે 191 કિમીમાં પિલરો મુકવાની કામગીરી ચાલી રહી છે. આ અંગે રેલ મંત્રાલયે કાર્યવાહીનો રિપોર્ટ મંગાવ્યો છે.
8000 વૃક્ષોનું ટ્રાન્સપ્લાન્ટ થયું
મીડિયા અહેવાલ મુજબ, અમદાવાદ-મુંબઈ વચ્ચેના હાઇસ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે માહિતી આપતા રેલવે મંત્રાલયે જણાવ્યું કે, વલસાડ-વડોદરા વચ્ચે કામગીરી ફુલ સ્પીડમાં ચાલી રહી છે. આ પ્રોજેક્ટ હેઠળ 8000 વૃક્ષોનું ટ્રાન્સપ્લાન્ટ થયું છે, જ્યારે 83 હજારથી વધુ નવા વૃક્ષોનું રોપણ કરાઈ રહ્યું છે. જુલાઇ-2021માં શરૂ થયેલ આ પ્રોજેક્ટ હેઠળ અત્યાર સુધી 56 કિલોમીટરનો રૂટની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે 191 કિમીમાં પિલરો મુકવાની કામગીરી ચાલી રહી છે.
વાપી અને વડોદરા વચ્ચે 237 કિમીનો સમાવેશ
હાઇસ્પીડ બુલેટ ટ્રેન 56 કિલોમીટરનો રૂટ પર વાયડક્ટ લગાડવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે. જણાવી દઈએ કે, અમદાવાદ-મુંબઈ હાઇ સ્પીડ રેલવે કોરિડોરના T-2 પેકેજમાં વાપી અને વડોદરા વચ્ચે 237 કિમીનો સમાવેશ થાય છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)ના એક અંદાજ મુજબ, આ પ્રોજેક્ટ હેઠળ બાંધકામ માટે લગભગ 21 લાખ મેટ્રિક ટન સ્ટીલ, 75 લાખ મેટ્રિક ટન સિમેન્ટ અને 1.4 લાખ મેટ્રિક સ્ટ્રક્ચરલ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવશે.