આપણે સામાજિક અને આર્થિક પ્રવૃત્તિઓમાં ગામોનું હંમેશા મહત્વ રહ્યો છે ગામ પૌરાણિક સમયથી એકમ રહ્યુ છે દેશની મોટાભાગની વસ્તી ગામમાં રહે છે. ભારતમાં પ્રાચીનકાળથી વહીવટી તંત્રનુ સૌથી નાનું મહત્વનું એકમ ગામડું,જેની માહિતી વેદો અને બૌદ્ધ જાતકકથાઓ માંથી મળી આવે છે ઋગ્વેદમાં ગામના વડાને ‘ગ્રામીણ’ કહેવામાં આવ્યો છે ગુપ્ત યુગમાં પંચાયતોએ વ્યવસ્થિત સ્થાન પ્રાપ્ત કર્યું તે સમયે તે પંચમંડળ પણ કહેવાતાં. પંચાયતી રાજ એક એવી સરકારી પ્રથા છે જ્યાં ગ્રામ પંચાયતો વહીવટનો મૂળભૂત એકમ છે અહીં ત્રિસ્તરીય પંચાયતી રાજ પધ્ધતિની સ્થાપના કરવામાં આવી છે.
• ગ્રામ સ્તરે – ગ્રામ પંચાયત
• બ્લોક સ્તરે – તાલુકા પંચાયત
• જિલ્લા સ્તરે – જિલ્લા પરિષદ
પંચાયતી રાજ શબ્દ બ્રિટિશ રાજ દરમિયાન ઉદભવ્યો છે ‘રાજ’ નો શાબ્દિક અર્થ ‘શાસન’ અથવા સરકાર થાય છે મહાત્મા ગાંધીએ પંચાયતી રાજની હિમાયત કરી હતી કે જ્યાં દરેક ગામ પોતાને બાબતો માટે જવાબદાર હોય અને આવા હેતુ માટે ‘ગ્રામ સ્વરાજ’ એવો શબ્દ પ્રયોજ્યો હતો. દર પાંચ વર્ષે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામાં આવે છે જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સ્ત્રીઓ માટે અમુક બેઠકો અનામત રાખવામાં આવે છે ગ્રામપંચાયત એટલે ગ્રામ્ય સ્તરે આવેલ વહીવટી સંસ્થા છે જે ભારતની પંચાયતી રાજ પદ્ધતિનું ગ્રામ્ય કક્ષાનું સ્તર છે અહી તલાટી-કમ-મંત્રી, ગ્રામસેવક, સરપંચ અને અન્ય ગ્રામ પંચાયતના સભ્યને બેઠક યોજવામાં આવે છે ગ્રામકક્ષાના વિકાસને લગતા કાર્યો અહીંથી કરવામાં આવે છે. પંચાયતી રાજ અથવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ લોકશાહીની તાલીમ શાળા ગણાય છે અને આના કારણે સત્તાનું વિકેન્દ્રીકરણ થાય છે તેમજ વહીવટી ખર્ચમાં કરકસર થાય છે અને નાગરિકો જાગૃત બને છે તથા સ્થાનિક કાર્યોમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે તેથી સ્થાનિક સ્તરે અમલદારી શાહીનો પ્રભાવ ઘટે છે અને કેન્દ્ર તેમજ રાજ્ય વચ્ચેનો કાર્યભાર પણ ઘટે છે અને દરેક ગામમાં ગ્રામસભા પણ હોવી જોઈએ.
બંધારણના 73 માં સુધારાને આધિન હાલમાં ગુજરાતમાં પંચાયતી એક્ટ અમલમાં આવેલ છે જેને ગુજરાત પંચાયત અધિનિયમ 1993 કહેવામાં આવે છે જેના મારફતે રાજ્યમાં પંચાયતીરાજ વ્યવસ્થાનું સંચાલન અને નિયંત્રણ થાય છે. આ સુધારાને લઈને મુખ્ય જોગવાઈઓ…
– ત્રિસ્તરીય પંચાયતી રાજ 20 લાખથી વધુ વસ્તી ધરાવતા તમામ રાજ્યો માટે રહશે.
– ગ્રામસભા પાયાનો એકમ રહેશે અને દરેક સભ્યોની સિદ્ધિ ચૂંટણી કરવામાં આવશે.
– અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે વસ્તી મુજબ અનામત આપવામાં આવશે.
– મહિલાઓ માટે એક તૃતીયાંશ થી ઓછી નહીં તેટલી બેઠકો એટલે 33% અનામત છે.
– પંચાયતની મુદત પ્રથમ બેઠકની તારીખ થી પાંચ વર્ષની ગણાશે પાંચ વર્ષની મુદત પૂરી થવાની હોય તે પહેલા ચૂંટણી કરાવવાની રહેશે.
– પંચાયતનો સભ્ય બનવા 21 વર્ષની ઉંમર તથા રાજ્ય વિધાનસભા દ્વારા નક્કી કરેલી યોગ્યતાઓ જરૂરી રહેશે.
ભારતમાં સૌપ્રથમ બિહાર રાજ્યમાં 2005 માં 50% મહિલા અનામત ત્યારબાદ છત્તીસગઢ, મણિપુર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉતરાખંડ, ઓરિસ્સા, કેરળ, હિમાચલ પ્રદેશ અને કર્ણાટક દ્વારા 50% મહિલા આપવામાં આવી છે. વર્તમાનમાં ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની તમામ સંસ્થાઓ અર્થાત પંચાયતો અને નગરપાલિકામાં મહિલાઓને 50% અનામત આપવામાં આવી છે . રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ 24 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે ભારતમાં પંચાયતી રાજના પ્રણેતા બળવંતરાય મહેતા હતા અને સ્વતંત્ર ભારતના સૌપ્રથમ પંચાયતી રાજ મંત્રી એસ.કે.ડે. હતા. ભારતમાં મોટાભાગના રાજ્યમાં ગ્રામ પંચાયતોને જ કર લગાવવાનો અધિકાર છે ભારતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ છે,પરંતુ કેરળ અને જમ્મુ કશ્મીરમાં એક સ્તરીય પંચાયતી રાજ છે. અને આંધ્ર પ્રદેશ ભારતનો એકમાત્ર રાજ્ય છે ત્યાં અલ્પસંખ્યાકોને પંચાયતોમાં અનામત આપવામાં આવી છે. તેમજ સૌપ્રથમ ત્રિસ્તરીય પંચાયતીરાજ ની શરૂઆત રાજસ્થાનના નાગોર જિલ્લામાં થઈ હતી.