ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા લોકસભા-2024ની ચૂંટણીને લઈ કવાયત શરૂ કરવામાં આવી છે. પક્ષ દ્વારા રાષ્ટ્રવાપી મહાજનસંપર્ક અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જે હેઠળ આજથી એક મહિના સુધી મહાજનસંપર્ક અભિયાન ચલાવાશે અને પ્રદેશથી લઈ બુથ સ્તર પર વિવિધ કાર્યક્રમો યોજાશે.
મળતી માહિતી મુજબ, લોકસભા 2024ની ચૂંટણીને ધ્યાને લઈ બીજેપી દ્વારા દેશભરમાં મહાજનસંપર્ક અભિયાનની આજથી શરૂઆત કરવામાં આવી છે. જે હેઠળ એક મહિના સુધી દરેક લોકસભા વિસ્તારમાં જનસભાનું આયોજન કરવામાં આવશે. દેશના પ્રતિષ્ઠિત અને પ્રભાવશાળી લોકો સાથે વ્યક્તિગત રીતે મુકાલાત કરવામાં આવશે. જણાવી દઈએ કે, કેન્દ્રમાં મોદી સરકારને 9 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે હવે પક્ષ દ્વારા આગામી લોકસભાની ચૂંટણીમાં વધુ સારું પ્રદર્શન કરવા અને ફરી એકવાર ઐતિહાસિક જીત સાથે સત્તા પર પરત આવવા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
વિજય રૂપાણીને દિલ્હીની જવાબદારી સોંપાઈ
અહેવાલ અનુસાર, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને દિલ્હીની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પણ 5 કલસ્ટર અને ઉત્તરાખંડની મહત્ત્વપૂર્ણ જવાબદારી આપવામાં આવી છે. જેઓ મોદી સરકારના કામોને સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં મદદ કરશે. આ અભિયાન હેઠળ મોદી સરકારની નીતિઓ અને ઉપલબ્ધિઓની માહિતી આપવા દેશભરમાં અભિયાન ચલાવાશે. આ જનસંપર્ક અભિયાન 30 મેથી 30 જૂન સુધી ચલાવાશે.