આજે મોદી સરકારે સત્તામાં 9 વર્ષ પૂર્ણ કરી લીધા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કેન્દ્રમાં તેમની સરકારના નવ વર્ષ પૂરા થવા પર કહ્યું કે લોકોના જીવનને સુધારવાની તેમની ઈચ્છા તેમના દરેક નિર્ણય પાછળનું કારણ રહી છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું, “આજે અમે રાષ્ટ્રની સેવામાં 9 વર્ષ પૂર્ણ કરી રહ્યા છીએ. હું કૃતજ્ઞ અને આભારી છું. (આ સમયગાળા દરમિયાન) લેવામાં આવેલા દરેક નિર્ણય, લેવામાં આવેલા દરેક પગલા પાછળ લોકોના જીવનને સુધારવાની ઈચ્છા રહી છે. અમે વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે વધુ સખત મહેનતથી કામ કરવાનું ચાલુ રાખીશું.”
ભાજપ જનસંપર્ક કાર્યક્રમ ચલાવશે
ભારતીય જનતા પાર્ટી (BJP) એ સરકારના નવ વર્ષ પૂર્ણ થવાના અવસર પર વિવિધ જનસંપર્ક કાર્યક્રમો દ્વારા મંગળવારથી એક મહિનાના અભિયાનનું આયોજન કર્યું છે. વડાપ્રધાન મોદી બુધવારે રાજસ્થાનના અજમેરમાં એક રેલીને સંબોધિત કરશે. કેન્દ્રીય મંત્રી અને કેટલાક રાજ્યોના મુખ્ય મંત્રીઓ સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓએ સોમવારે સત્તામાં નવ વર્ષ પૂરા થવાના અવસર પર દેશભરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારની સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો.
9 વર્ષમાં મોદી સરકારની ઉપલબ્ધિઓ
વૈશ્વિક સ્તરે ભારતના “વધતા” કદથી લઈને રાષ્ટ્રીય સુરક્ષા પર ભાર, ગરીબો માટે આવાસ અને શૌચાલય જેવા કલ્યાણકારી પગલાં, પાઈપ દ્વારા પાણી પુરવઠાને વધારવો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને ઉત્પાદનને આગળ વધારવાના પ્રયાસો એ પહેલોમાં સામેલ રહ્યા, જેનો ભાજપના નેતાઓએ દેશના દરેક રાજ્યોમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં કર્યો હતો.
વડા પ્રધાન મોદીની આગેવાની હેઠળની સરકારના બીજા કાર્યકાળમાં, ભાજપની વિચારધારા સાથે સંબંધિત કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા, જેમાં જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 નાબૂદ કરવા અને સુપ્રીમ કોર્ટના એક આદેશ બાદ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનું કાર્ય શરૂ કરવાનું સામેલ છે.
ટીમ મોદીએ કર્યા સરકારના વખાણ
બીજી તરફ, કેન્દ્રમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (એનડીએ) સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર, કેન્દ્રીય મંત્રીઓ અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતાઓએ મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી અને કહ્યું કે આ પ્રજાની આકાંક્ષાઓની કસોટીઓ પર આ સરકાર સંપૂર્ણપણે ખરી ઉતરી છે.
નોંધપાત્ર છે કે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવ્યા પછી, મોદીએ 30 મે 2019 ના રોજ વડાપ્રધાન તરીકે સતત બીજી વખત દેશની કમાન સંભાળી હતી. ભાજપે લોકસભાની 543માંથી 303 બેઠકો જીતી હતી.