લોકસભા 2024ની ચૂંટણી આડે હવે એક વર્ષ કરતાં પણ ઓછો સમય બાકી રહ્યો છે, જેને પગલે ભાજપ અને કોંગ્રેસ તથા અન્ય પ્રાદેશિક પક્ષોએ ચૂંટણીની પ્રાથમિક તૈયારી આરંભી દીધી છે. દેશમાં લોકસભા ચૂંટણીને લઇ હાલ રાજકીય માહોલ ભલે ઠંડો લાગી રહ્યો હોય, પણ ગુજરાતની પાટણ લોકસભા સીટ પર અત્યારથી જ નવાજૂની થવાનાં એંધાણ આવી રહ્યા છે, કારણ કે 10 જૂને સિદ્ધપુરમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે 40 લોકોની જનસભા સંબોધી હતી. તેમની આ સભાથી આગામી લોકસભા ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફૂંકાઇ ચૂક્યું છે એમ કહેવું અતિશયોક્તિ ગણાશે નહીં, પરંતુ 26 લોકસભા સીટમાંથી પાટણમાં અમિત શાહે સભા કરતાં અનેક રાજકીય તર્કવિતર્ક થઇ રહ્યા છે. ગુજરાતની 26 સીટની વાત જવા દો, આખા દેશમાં પાટણ સીટ પર જ સૌથી પહેલું ફોક્સ કરવા પાછળનું કારણ શું હોઇ શકે એની લોકમુખે ચર્ચા થઇ રહી છે. એમા પણ ખુદ અમિત શાહે મેદાનમાં ઉતરવું પડ્યું અને આ સીટની કમાન હાથમાં લઇ લીધી છે.
સિદ્ધપુરમાં યોજાયેલી અમિત શાહની આ સભાથી રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ ચાલી છે કે માઇનસમાં ચાલી રહેલી પાટણ સીટ શાહ પ્લસમાં લાવવા મેદાને પડ્યા છે. આ સીટે ભાજપ સંગઠનની ઉંઘ ઉડાવી દીધી હોય એમ લાગે છે અને એની પાછળ પણ અનેક કારણો જવાબદાર હોય શકે છે. જોકે કેટલાક આંકડાઓ ભાજપ માટે એલાર્મિંગ સાબિત થઇ રહ્યા છે. પાટણ લોકસભા બેઠકમાં આવતી 7 વિધાનસભા સીટ, જેવી કે પાટણ, ચાણસ્મા, રાધનપુર, સિદ્ધપુર, કાંકરેજ, વડગામ અને ખેરાલુનો સમાવેશ થાય છે. આ 7 સીટમાંથી 4 સીટ પર કોંગ્રેસનો, જ્યારે 3 સીટ પર ભાજપનો વિજય થયો છે. વિધાનસભા ચૂંટણી 2022માં કોંગ્રેસનો ઐતિહાસિક પરાજય થયો હતો અને માત્ર 17 સીટમાં જ સમેટાઇ ગઇ હતી. આમ છતાં પાટણ લોકસભામાં આવતી આ 7 સીટમાંથી 25 ટકા સીટ કોંગ્રેસે જીતી લેતાં પાટણ લોકસભા સીટ પર કોંગ્રેસનું પલડું ભારે છે. માત્ર એટલું જ નહીં, આ તમામ સીટમાં ભાજપના ઉમેદવારોને કોંગ્રેસના ઉમેદવારો કરતાં માત્ર 441 મત જ વધુ મળ્યા છે, જેથી હાલ તમામ 26 સીટ ભાજપ પાસે હોવા છતાં આ સીટ તેના માટે જોખમી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે. આમ સતત બે લોકસભા ચૂંટણીથી તમામ 26 સીટ જીતી રહેલા ભાજપને હવે અભેદ્ય કિલ્લા સમાન ગુજરાતનાં કાંગરાં ખરવાની ચિંતા સતાવી રહી છે.
આ અંગે પાટણના સંસદસભ્ય ભરતસિંહ ડાભીએ કહ્યું હતું કે હાલમાં ભાજપ પ્રધાનમંત્રીના 9 વર્ષની ઉજવણી એક મહિનાના પ્રચાર સાથે જે કાર્ય થયાં છે એને લોકો સુધી પહોંચાડવાની કાર્યવાહી મંત્રી થી લઇ તાલુકા પદાધિકારીઓ દ્વારા સંમેલન, સામાજિક આગેવાનો સાથે મળીને પાટણ લોકસભા સીટ જીતવા પ્રયાસ કરે છે. ભાજપે 2024 લોકસભા જીતવા જે સર્વે કર્યો છે, જેમાં ગુજરાતની 26 સીટ પૈકી પાંચ નબળી સીટમાં પાટણ સીટનો સમાવેશ થાય છે. આ સીટ જીતવા માટે કેન્દ્રીય ગૃહમંત્રીને જવાબદારી સોંપી હોય શકે છે, જેના ભાગરૂપે દરેક વિસ્તારમાં સંમેલન કરી કાર્યકરો સાથે વાર્તાલાપ કરી આ બેઠક જીતી શકાય એવા પ્રયાસ કરીએ છીએ. પાર્ટીના કાર્યકર્તાઓ બધા એકજૂથ થઇને પ્રયાસ કરે તેમજ જે નારાજગી હોય એ દૂર કરવામાં આવે તો પાર્ટીને જીતવા માટે ઓછી તકલીફ પડે.
આ અંગે ભાજપના નેતા ઋત્વિજ પટેલે કહ્યું હતું કે પ્રધાનમંત્રીના સુશાસનનાં 9 વર્ષ પૂરાં થયાં છે, એની ઉજવણી સંદર્ભે જનસંપર્ક કરવામાં આવી રહ્યો છે. 350 કરતાં પણ વધારે લોકસભા બેઠક પર મોટી સભા થઇ રહી છે. ગુજરાતની 26 બેઠક પર પણ સભા યોજાઇ રહી છે. દરેક સભામાં 30 હજાર કરતાં વધારે લોકો હાજર રહે છે. પ્રદેશ અને કેન્દ્રીય નેતૃત્વ આ સભા સંબોધશે. માત્ર પાટણ લોકસભા જ નહીં, પરંતુ 26 લોકસભા બેઠક પર સભા યોજાશે. દેશના ગૃહમંત્રી પણ કાર્યકર્તા હોવાને નાતે તેમને મળેલી જવાબદારીને આધારે તેમણે પણ વિશાળ જનસભા સંબોધી હતી, જેમાં 40 હજાર કરતાં વધારે લોકો ઉપસ્થિત રહ્યા હતા. પાટણ નહીં, પરંતુ ગુજરાતની એકપણ લોકસભા સીટ જીતવી એ પડકારનો વિષય નથી. બે વખતથી ગુજરાતની 26 બેઠક જીતીએ છીએ. આ વખતે પ્રદેશ પ્રમુખે ટાર્ગેટ આપ્યો છે કે તમામ બેઠક 5 લાખના લક્ષ્યાંક સાથે જીતવાની છે. અત્યારે કોઇ વિવાદ નથી. ભરતસિંહ ડાભી અમારા સાંસદ છે અને બધા જ કાર્યકર્તાઓ સાથે મળીને કામ કરીએ છીએ.
પાટણ જિલ્લાના ઉચ્ચ નેતાઓ તેમજ ઉત્તર ગુજરાતમાં આધિપત્ય સ્થાપી રાજ કરવા માંગતા એક નેતા સહિતના નેતાઓ જૂથવાદમાં રચ્યાપચ્યા રહેલા નેતાઓના આંતરિક જૂથવાદને કારણે વિસ્તારના સાચા કાર્યકરોને અન્યાય કરવામાં આવી રહ્યો છે. એની જાણકારી ભાજપના સ્થાનિક નેતા પાસેથી મળી રહી છે. ભાજપમાં પાટણ જિલ્લામાં જૂથવાદ વધારે છે, જેનાથી પાર્ટીને જે ફાયદો મળવો જોઇએ એ મળતો નથી. જો બધા જ જૂથવાદ ભૂલીને એક થઇ લડે તો પાર્ટીને ફાયદો મળી શકે એમ છે. પાટણ સીટ પર તાજેતરની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ડો. રાજુલ પટેલને પણ જૂથવાદનો સામનો કરવો પડ્યો હોવાનું સ્થાનિક ભાજપના નેતા કહી રહ્યા છે. વર્તમાન સાંસદ આગામી લોકસભા ચૂંટણી લડવા નથી માગતા અને એ જ કારણસર તેમના ભાઇને ટિકિટ આપવા માટે માગણી કરી હતી, પરંતુ તેમને ટિકિટ ન આપીને અન્ય ઉમેદવારને ટિકિટ આપતાં વર્તમાન સાંસદની કામગીરી ચૂંટણી સમયે તટસ્થ રહી હતી.
આ ઉપરાંત કોળી ઠાકોર વિકાસ નિગમમાં 22 ટકા ઠાકોર અને 17 ટકા કોળી સમાજ મળી 39 ટકા જેટલી ગુજરાતની વસતિને પૂરતું ફંડ ફાળવાતું નથી. સહકારી માળખામાં દૂધસાગર ડેરી, સેવા સહકારી મંડળીમાં સભાસદ બનાવતા નથી, જેથી બિનસભાસદ દ્વારા દૂધનો જથ્થો ઉપલબ્ધ કરવામાં સફળ રહ્યા છે.
જ્યારે પાટણ સીટના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું, મોટા ભાગે જોઇએ તો કેટલીક ધારાસભા વિસ્તારોને બાદ કરતાં અને આખા વિસ્તારમાં કોંગ્રેસને માનનારી પ્રજા વધારે અને એ જ કારણસર તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ કોંગ્રેસ જીત મેળવતી હતી, જેમ કે ખેરાલુમાં આવતી વડનગરમાં પણ લોકોનો ઝૂકાવ કોંગ્રેસ તરફી રહ્યો. વડગામમાં 5 હજાર મતની લીડથી જીત્યા હતા. કાંકરેજ વિસ્તારમાં પણ કોંગ્રેસને માનવાવાળા વર્ગની સંખ્યા વધારે છે. આવું જ અન્ય લોકસભા વિસ્તારમાં છે. આખાયે આ વિસ્તારમાં કોઇ મોટી ઇન્ડસ્ટ્રી નથી. બહુચરાજીમાં જે ઉદ્યોગો આવ્યા એમાં સ્થાનિક લોકોને રોજગારી મળતી નથી. નાના-મોટા ધંધા ચાલે છે, એમાં પણ શોષણ થતું હોય એમ બની શકે છે. ખેતી આધારિત અને પશુપાલન પર નભતી આ વિસ્તારની પ્રજા છે. માંડ ગુજરાન ચાલતું હોય, એમાંય સહકારી માળખું અને ડેરીમાં પણ ખેડૂત અને પશુપાલકોનું શોષણ થાય છે.
જગદીશ ઠાકોરે આગળ જણાવ્યું હતું કે જ્યારે સરકારી નોકરી માટે બનાસકાંઠા અને પાટણમાંથી પણ મોટા પ્રમાણમાં સ્પર્ધાત્મક નોકરીની તૈયારી અહીં યુવાનો કરે છે. હવે તો 10 લાખ લોકોની જગ્યાએ 2 લાખ લોકો જ તૈયારી કરે છે, કેમ કે પેપર ફુટી જાય છે અને લાગવગથી નોકરી મળે છે એમ યુવાન કહે છે. આ સ્થિતિને કારણે ભાજપ સામે રોષ છે. 30 વર્ષ સુધી ભાજપનું રાજ હોય અને મુઠ્ઠીભર લોકોના હાથમાં સત્તા છે ત્યારે એ લોકો તેમના માટે જ સત્તાનો ઉપયોગ થાય છે એટલે બહુમતી લોકોને લાગે છે કે તેમનું શોષણ થાય છે. આ જ કારણસર ભાજપની વિરુદ્ધ મત આપવાવાળા લોકોની સંખ્યા પાટણમાં વધારે છે. પાટણ-બનાસકાંઠામાં રોજગારીનો મોટો પ્રશ્ન છે. ખેતી આધારિત ઉદ્યોગો આવે પણ મને ખ્યાલ નથી કે છેલ્લાં 30 વર્ષમાં કૃષિ યુનિવર્સિટીમાં શાકભાજી કે અનાજનાં નવાં બિયારણ, ફળની શોધ થઇ હોય એમ નથી લાગતું. હું એગ્રિકલ્ચર કમિટીમાં હતો ત્યારે વિશ્વના બીજા દેશમાં અનાજ, ફળ સાચવવાની પદ્ધતિ, ફળમાંથી અલગ અલગ વસ્તુ બનાવવામાંથી રોજગારી મળતી હતી, દૂધનું ફેડરેશન મોટું કરી શક્યા છે એવું ઘણું બધું ઉત્તર ગુજરાતમાં થઇ શકે એમ છે, પણ સરકાર એ માટે ચેરિટી કરવા માગે છે કે નહીં એ ખ્યાલ નથી. પશુપાલન અને ખેડૂત માટેની લાગણીવાળી સરકાર થાય તો સ્થાનિક ખેડૂતો આગળ આવી શકે એમ છે, પણ કરવા માટે નિયત હોય તો.
પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે વધુમાં ઉમેર્યું હતું કે 30 વર્ષથી ગુજરાતમાં ભાજપ સરકાર છે અને કેન્દ્રમાં 9 વર્ષથી ભાજપ સરકાર છે. પાટણ લોકસભાના 7 વિધાનસભા વિસ્તારમાં જો નામજોગ કોઇ કામ કર્યું હોત તો અમિત શાહને સિદ્ધપુરમાં જાહેરસભા કરવાની જરૂર નહોતી. પાટણમાં બનાસ, સરસ્વતી જેવી કુદરતી રિચાર્જ નદીઓ છે. 20-30 વર્ષ પહેલાં પાણી 200-300 ફૂટથી મળતું હતું, પણ હવે 1500 ફૂટે પણ પાણી નથી. સૌરાષ્ટ્રમાં જેમ ચેકડેમ કરી ખેડૂતોને ઉપયોગી બન્યા તેમ ઉત્તર ગુજરાતમાં એકપણ ચેકડેમ નથી બન્યા. કોંગ્રેસમાં ધરોઇ, દાંતીવાડામાં ચેકડેમ બન્યા હતા એમાં એકપણ વધારે ચેકડેમ 30 વર્ષના શાસનમાં નથી થયા. સરકારી કાર્યક્રમ, ઇવેન્ટ કરી શકશે પણ લોકોનું જીવનધોરણ ઉંચુ આવે તેવા મુદ્દા પર સરકારે કોઇ કામ નથી કર્યું એટલે સભા સહિત અનેક કાર્યક્રમ કરશે, પણ પ્રજા કહે છે કે જે કરવું જોઇતું હતું એ નથી કર્યું એટલે વહેલી તૈયારી કરીને નવી વાત કરશે, વચન આપીને ચૂંટણીમાં જીત મેળવવી એના ભાગરૂપ આ સભા થઈ હોઇ શકે છે.
સાંસદ ભરતસિંહ ડાભીની નારાજગી અંગે જગદીશ ઠાકોર કહે છે, ભાજપના આંતરિક પ્રશ્નોમાં લાંબી ટિપ્પણી નહીં કરું પણ સત્તામાં બેઠેલા અને સત્તા અપાવવાવાળા વચ્ચે મોટી ખાઇ થઇ ગઇ છે. કેટલાક ધારાસભ્યો કહે છે કે સરકારમાં કામ નથી થતાં, સરકાર જેવું દેખાતું નથી, અધિકારીઓ પર કાબૂ નથી, સામાન્ય કામના પણ રૂપિયા માગે છે. ધારાસભ્ય સુધીના પણ આ વાત કરે છે ત્યારે અંદરનો વિવાદ જગજાહેર છે. આવું જ મહેસાણામાં નીતિન પટેલ સાથે થયું, સાબરકાંઠામાં પણ સાંસદ કહે છે કે કામ નથી થતાં અને આવું બધે જ છે.
જ્યારે પાટણ લોકસભા સીટમાં આવતી વડગામ બેઠકના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ કહ્યું કે,બીજી લોકસભા સીટ સાથે જો તુલના કરીએ તો પાટણ લોકસભામાં કોંગ્રેસ માટે ઘણી સારી સ્થિતિ કહેવાય. માર્જીન વત્તા-ઓછા પ્રમાણમાં થતું રહેતું હોય પરંતુ 4 ધારાસભ્યો કોઇ લોકસભા બેઠક પર હોય તો જે તે પાર્ટીને લાભ રહેવાનો જ છે. અમને આશા છે કે જે સીટ પર વધારે ફોક્સ કરવું જોઇએ તેમાં પાટણ લોકસભા પણ છે.
જ્યારે સાંસદ ભરતસિંહ ડાભીની નારાજગી અંગે મેવાણી કહે છે, મને ખ્યાલ છે ત્યાં સુધી ભરતસિંહ ડાભી ભાજપથી ખૂબ નારાજ ચાલી રહ્યા છે. તેમના કોઇ વ્યક્તિગત કામ ન થયા હોય તેમ નથી પણ મને ખ્યાલ છે ત્યાં સુધી કોળી અને ઠાકોર સમાજ સાથે જે અન્યાય થયો, કોળી-ઠાકોર બોર્ડ નિગમમાં કોઇ આવક કે સંસાધનો સરકાર આપતી નથી, યોજના ઠપ્પ છે, પ્રતિનિધિત્વના પ્રશ્નો છે. ભાજપમાં હોવા છતાં તેમણે અનેક રજૂઆતો કરી છે એટલે એ નારાજગી હોય શકે. કોઇ એકાદ-બે નેતાઓની નારાજગી કરતાં આખા દેશનો માહોલ શું છે, દેશ ક્યાં રાજનીતિક મુદ્દે આગળ વધે છે તે મુદ્દા પર ચર્ચા કરવી જોઇએ. છેલ્લા 10 વર્ષના અંતે યુવાનોને સમજાયું છે કે આ સરકાર તેમને રોજગારી આપી શકે એમ નથી, મોંઘવારી વધી રહી છે, ખાલી પડેલી જગ્યા ભરાતી નથી વગેરે જેવા દાવા પોકળ સાબિત થયા છે અને બીજી તરફ રાહુલ ગાંધીને પણ સમર્થન મળી રહ્યું છે. ભારત જોડો યાત્રા-2 પણ શરૂ થવાની છે એટલે મને એમ લાગે છે કે પાટણ સીટ પર પણ અમને લાભ થઇ શકે એમ છે. પાટણ સિવાય અન્ય બેઠક પર પણ કોંગ્રેસે સખત મહેનત કરવી પડશે. 17 સીટ આવવાથી સેટ બેક થયો છે એટલે એમાંથી બહાર આવવું એક પડકાર તો છે જ પણ અમે તે ચોક્ક્સ પાર પાડીશું.
2014માં ભાજપે લીલાધર વાઘેલાને ટિકિટ આપી હતી. તેમણે ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા ભાવસિંહ રાઠોડ ને 1 લાખ 38 હજાર 719 મતોથી હરાવ્યા હતા. જ્યારે 2009માં ભાજપના ભાવસિંહ રાઠોડ જગદીશ ઠાકોર સામે હાર્યા હતા. તે અગાઉ 2004માં ગુજરાતી સિનેમાના જાણીતા ચહેરા એવા મહેશ કનોડિયાને ભાજપ ટિકિટ આપી હતી. તે જીતીને ચોથીવાર સાંસદ બન્યા હતા. વર્ષ 1991 થી સતત ત્રણ ટર્મ સુધી મહેશ કનોડિયા ચૂંટાઇ રહ્યા હતા. જો કે 1999માં પ્રવીણ રાષ્ટ્રપાલ દ્વારા આ સિલસિલો તોડવામાં આવ્યો હતો. વર્ષ 2004માં ભાજપે ફરી તક આપતા તે જીત્યા હતા.
2019ની લોકસભા ચૂંટણીમાં આ સીટ પરથી ભાજપના ભરતસિંહ ડાભીનો મુકાબલો કોંગ્રેસના જગદીશ ઠાકોર સામે હતો. ભાજપના ઉમેદવાર જંગી બહુમતીથી જીતી ગયા છે. છેલ્લી 3 ચૂંટણીઓની વાત કરીએ તો 2014માં પણ આ બેઠક ભાજપે જીતી હતી. ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી સામે કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોરની 1 લાખ 93 હજાર 879 મતોથી હાર થઇ હતી.
18 માર્ચ 1955માં જન્મેલા ખેરાલુના ધારાસભ્ય અને પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને ટિકિટ આપી. આ બેઠક પર ઠાકોર સમાજના કદાવર નેતા લીલાધર વાઘેલાની ટિકિટ કાપીને ભરતસિંહને ટિકિટ આપી હતી. તેઓના રાજકીય કારકિર્દી તરફ નજર કરીએ તો તેઓ 1985માં તાલુકા પંચાયતના સભ્ય બન્યા હતા. જ્યારે 2002માં ભરતસિંહ ડાભી મહેસાણા જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતા પછી 20 મુદ્દા અમલીકરણના ચેરમેન બન્યા હતા. ભરતસિંહ ડાભીએ 2007માં સૌ પ્રથમવાર વિધાનસભાની ચૂંટણી લડીને જીત મેળવી હતી. 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાઇ આવ્યા હતા અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં સતત ત્રીજી વખત ચૂંટાઇ આવ્યા હતા. પાટણ લોકસભા બેઠક પર ઉમેદવારી ફોર્મ ભરતી વખતે ભરતસિંહ ડાભીએ 4.86 કરોડની સંપતિ જાહેર કરી હતી. તેમણે બી.એ. એલ.એલ.બી ડીગ્રી પ્રાપ્ત કરેલી છે.
વિપુલ ચૌધરી જ્યારે સરકાર સામે પડ્યા હતા તે સમયે ભાજપના પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ વિપુલ ચૌધરીને ખુલ્લેઆમ સમર્થન કર્યું હતું. જેથી ચૌધરી સમાજમાં પોતાની છબિ સુધારી શકાય.જોકે એ વાત પણ ભુલાય નહીં કે વર્ષ 1999 દરમિયાન ભરતજી ડાભીના પિતા શંકરજી ઠાકોર વિપુલ ચૌધરી સામે ચૂંટણી લડ્યા હતા અને જીત મેળવી હતી.
વર્ષ 2019માં ભરતજી ડાભી સાંસદ તરીકે ચૂંટાયા બાદ ખેરાલુ વિધાનસભા બેઠક પર ભરતજી ડાભીએ પોતાના ભાઇ રામજી ઠાકોરને ભાજપ ટિકિટ આપે તે માટે હઠાગ્રહ કર્યો હતો. જો કે ભાજપ ભરતજી ડાભીના દુરાગ્રહ સામે તાબે ન થયો અને અન્ય ઉમેદવારને ટિકિટ આપતા ભરતજી ડાભીએ પેટાચૂંટણી તથા ગત વિધાનસભા 2022ની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોવાનું માનવામાં આવે છે. અંતે રામજી ઠાકોર અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા અને હારી ગયા હતા.
ગુજરાતની રચના બાદ વર્ષ 1962 થી વર્ષ 2004સુધી પાટણ બેઠક અનામત રહી હતી. વર્ષ 2009થી આ બેઠક સામાન્ય થઇ અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર વર્ષ 2009માં ચૂંટાયા હતા. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના લીલાધર વાઘેલા અને ભાવસિંહ રાઠોડ વચ્ચે જંગ ખેલાયો હતો જેમાં ભાજપના લીલાધર વાઘેલા 1.83 લાખથી વધુ મત મેળવી વિજયી બન્યા હતા. જો કે તેમની કામગીરીનું સરવૈયું પક્ષ કે મતદારો માટે નિષ્ફળ હોવાનું મનાતા વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં પત્તુ કપાયું અને ભાજપના ખેરાલુ બેઠક પર વર્ષ 2017માં ચૂંટાયેલા ભરતસિંહ ડાભીને ભાજપે જંગમાં ઉતાર્યા હતા. તો બીજી તરફ વર્ષ 2019માં કોંગ્રેસ તરફથી પાટણ બેઠક પર ફરીથી ગુજરાત પૂર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. જો કે આ ચૂંટણીમાં ભાજપના ભરતસિંહ ડાભીનો વિજય થયો હતો.
ઉત્તર ગુજરાત વિસ્તાર ની તમામ બેઠકો પૈકી મોટા ભાગે કોંગ્રેસ સમર્પિત પરંપરાગત બેઠક માનવામાં આવે છે. જેમાં ભાજપે પોતાની વ્યૂહરચના ગોઠવી કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવાની શરૂઆત કરી. સિદ્ધપુરમાં કોંગ્રેસના મોટા ગજાના નેતા એવા બલવંતસિંહ રાજપૂતનો ભાજપમાં સમાવેશ કરી તેમને મંત્રી બનાવી દીધા. વડગામમાં કોંગ્રેસના મોટા નેતા મણી વાઘેલાને ભાજપમાં લઇને તેમને વિધાનસભાની ચૂંટણી દરમિયાન વડગામ બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા.કોંગ્રેસની સરકાર સમયે ટ્રેક્ટર નિગમના ચેરમેન રહી ચૂકેલા લવિંગજી ઠાકોરનો પણ ભાજપમાં સમાવેશ કરી તેમને પણ ધારાસભ્ય બનાવ્યા છે. જ્યારે ખેરાલુમાં કોંગ્રેસનો મોટો ક્ષત્રિય ચહેરો એવા જયરાજસિંહ પરમારને પણ કેસરી ટોપી પહેરાવી સંગઠનને વધુ મજબૂત કરવા માટે સ્થાન આપવામાં આવ્યું છે.
ભાજપ પોતાના મેનેજમેન્ટ અને માઇક્રો પ્લાનિંગ માટે જાણીતો પક્ષ છે. પરંતુ ખાસ વાત એ છે કે સમય સાથે કદમ મિલાવીને પાર્ટી આગળ વધવામાં માને છે. સામાન્ય રીતે પ્રજામાં સ્વીકાર્ય ન હોય તેવા નેતાને ભાજપ બીજી વખત તક નથી આપતા. પરંતુ એક સમયે કોંગ્રેસમાંથી ચૂંટણી લડી ચૂકેલા અલ્પેશ ઠાકોર સામે હારનારા ભાજપના લવિંગજી ઠાકોરને ભાજપે ફરીથી ગઇ ચૂંટણીમાં ઉમેદવારી કરવા તક આપી અને લવિંગજી ઠાકોર વિજેતા બન્યા.
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં પાટણના વર્તમાન સાંસદ ભરતસિંહ ડાભીએ પોતાના ભાઇને ખેરાલુ વિધાનસભા બેઠક પર ટિકિટ આપવામાં આવે એવો દુરાગ્રહ સેવ્યો હતો. જો કે ભાજપે આ હઠની તાબે ન થઇ અને વિપરીત પ્રયોગ કર્યો જેમાં ભારતીય કિસાન સંઘ સાથે સંકળાયેલા સરદાર ચૌધરીને ટિકિટ આપી, આ ઉપરાંત કોંગ્રેસનો ઉત્તર ગુજરાતનો જાણીતો ચહેરો એવા જયરાજસિંહ પરમારને ભાજપમાં જોડીને તેમની મદદથી ખેરાલુ વિધાનસભા સીટ પર જીત મેળવી.
સિદ્ધપુર, પાટણ અને ખેરાલુ જેવી સીટ ભાજપ માટે મહત્વની માનવામાં આવે છે કેમ કે અહીં મતદાર કોંગ્રેસ સમર્પિત મતદાર છે ત્યારે કોંગ્રેસની પરંપરાગત બેઠક પર ભાજપે સમયાંતરે પગલાં લીધા અને જીત નિશ્ચિત કરવા પ્રયત્નો કર્યા. જેના ફળસ્વરૂપ 2022માં સિદ્ધપુર અને ખેરાલુ સીટ ભાજપે આંચકી લીધી હતી. આમ, કોંગ્રેસ જે રીતે જમીની હકીકત સમજવામાં ઉણી ઉતરી એનો ફાયદો ઉઠાવી ભાજપે પોતાની જીત નિશ્ચિત કરી.
પાટણ લોકસભા વિસ્તારમાં ચેલિયા મુમન તરીકે ઓળખાતા મુસ્લિમ સમાજની વસતિ અંદાજે અઢી લાખ કરતાં વધારે છે. કોઇપણ પક્ષની હાર કે જીત માટે આ સમાજ અત્યંત મહત્ત્વનો સાબિત થાય છે. આ વિસ્તારમાં જો કોઇ પક્ષ સીધું જ ધ્યાન કેન્દ્રિત કરે તો તેનો ફાયદો જે- તે પાર્ટીના ઉમેદવારને મળી શકે એમ છે. મૂળ ખેતીવાડી અને ધંધા સાથે સંકળાયેલા આ સમાજ કોંગ્રેસ સમર્પિત હોવાનું માનવામાં આવે છે. વડગામ વિધાનસભા, સિદ્ધપુર વિધાનસભા, ખેરાલુ વિધાનસભા અને પાટણ વિધાનસભા વિસ્તારમાં આ સમાજની વસતિ વધારે છે અને એ જ કારણોસર કોંગ્રેસ આ વિસ્તારમાં વર્ષોથી પગ જમાવી રાખવામાં સફળ રહી છે.
પાટણ લોકસભા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભાજપ માટે પગ જમાવવો અઘરું સાબિત થતું હતું. જો કે સૌ પહેલા ડેરી માળખા એટલે કે દૂધસાગર ડેરી અને બનાસ ડેરીમાં પગ મજબૂત કર્યા બાદ જિલ્લા સહકારી બેંક તેમજ જિલ્લા સહકારી સંઘમાં ભાજપે પગ જમાવવામાં સફળતા મેળવી.બાદમાં એપીએમસી ખાતે પોતાનો દબદબો ઉભો કર્યા બાદ અંતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેવી કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં પણ ભાજપે પોતાનો ભગવો લહેરાવવામાં વિજય હાંસલ કર્યો છે અને હવે તો ગ્રામ પંચાયત સ્તરે પણ સીધો જ સંવાદ કેળવી અને છેક ઇલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા દ્વારા વિભાજીત કરવામાં આવેલા તળિયાના માળખા એટલે કે ગ્રામ પંચાયત સુધી પણ ભાજપ હવે સીધા જ સંવાદ કેળવી રહ્યો છે.