ખેતી નિયામકશ્રીની કચેરી દ્વારા આગામી ખરીફ પાકોના વાવેતર સમયે બિયારણની ખરીદી કરતી વખતે ખેડૂતોએ ધ્યાનમાં રાખવાની બાબતો જાહેર કરવામાં આવી છે, જે મુજબ ખેડૂતોએ બિયારણની ખરીદી માત્ર અધિકૃત સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ, ખાનગી વિક્રેતા પાસેથી જ કરવી. કોઇ પણ સંજોગોમાં લાયસન્સ/પરવાનો ન ધરાવતા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરીયાઓ પાસેથી બિયારણની ખરીદી કરવી નહી. બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પૂરું નામ સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બીલ સહી સાથે અવશ્ય લેવું. બિયારણની થેલી સીલબંધ છે કે કેમ, તેમજ તેની મુદત પૂરી થઈ ગયેલ નથી તે બાબતે ખાસ ચકાસણી કરવી. ખાસ કરીને કપાસ પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે જેના પર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા તેમજ જુદા જુદા નામે વેચાતા અમાન્ય બિયારણની કોઈપણ સંજોગોમાં ખરીદી કરવી નહીં. આ પ્રકારના બિયારણ વેચાતા હોવાનું જો ધ્યાને આવે તો સંબંધિત એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટર અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામકશ્રી(વિસ્તરણ)ને તુરંત જાણ કરવી. વાવણી બાદ ખરીદેલ બિયારણનું પેકેટ/થેલી તેમજ તેનું બીલ પણ સાચવી રાખવું. તેમ રાજકોટના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ની યાદીમાં જણાવાયું છે.