કર્ણાટક વિધાનસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. આ દરમિયાન વિવિધ રાજકીય પક્ષો મતદારોને પોતાની તરફ વાળવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. આ રાજ્યમાં લિંગાયત સમુદાયના મતોનું વર્ચસ્વ રહ્યું છે. લિંગાયત સમુદાયની ગણતરી રાજ્યની આગળની જાતિઓમાં થાય છે. તેનો ઇતિહાસ 12મી સદીથી શરૂ થાય છે. 1956માં ભાષાના આધારે રાજ્યોનું પુનર્ગઠન થયું એ પછી કર્ણાટક અસ્તિત્વમાં આવ્યું. કર્ણાટક રાજ્યની રચના બાદથી અહીં લિંગાયતોનું વર્ચસ્વ રહ્યું છે. આ જ કારણ છે કે લિંગાયતોનો વિશ્વાસ જીતવા માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય સ્પર્ધા ચાલી રહી છે.
રાજ્યની 100થી વધુ બેઠકો પર છે પ્રભુત્વ
કર્ણાટકમાં અત્યાર સુધીમાં 23 મુખ્યમંત્રી બની ચૂક્યા છે, જેમાંથી 10 મુખ્યમંત્રી આ સમુદાયના રહ્યા છે. રાજ્યની 100થી વધુ બેઠકો પર લિંગાયત સમુદાયનો પ્રભાવ છે. ગત વિધાનસભા ચૂંટણીમાં લિંગાયત સમુદાયના 58 ધારાસભ્યો જીત્યા હતા જ્યારે 2013ની વિધાનસભા ચૂંટણીમાં આ સમુદાયના 52 ધારાસભ્યો જીત્યા હતા. લિંગાયત સમુદાયના અગ્રણી નેતાઓમાં બીએસ યેદિયુરપ્પા, બસવરાજ બોમ્મઈ, જગદીશ શેટ્ટર, એસડી થમૈયા અને કેએસ કિરણ કુમારનો સમાવેશ થાય છે.
અલગ ધર્મની માંગ કરી રહ્યા છે લિંગાયતો
લિંગાયત સમુદાયના લોકો પોતાના માટે અલગ ધર્મની માંગ કરી રહ્યા છે. વિધાનસભા ચૂંટણીમાં પણ લિંગાયત સમુદાયની આ માંગને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. કર્ણાટકમાં 500 થી વધુ મઠ છે, જેમાંથી મોટા ભાગના લિંગાયત સમુદાયના છે. લિંગાયત મઠ ખૂબ શક્તિશાળી છે.
લિંગાયતોનો મજબૂત ગઢ છે કિત્તુર
કિત્તુર લિંગાયત સમુદાયનો સૌથી મજબૂત ગઢ છે. બેલગામ, ધારવાડ, વિજયપુરા, હાવેરી, ગદગ, ઉત્તર કન્નડ જેવા 7 જિલ્લાઓ ધરાવતા આ વિસ્તારમાંથી 50 ધારાસભ્યો વિધાનસભામાં પહોંચે છે. કિત્તુર વિસ્તારને કર્ણાટકના મુંબઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. છેલ્લી બે ચૂંટણીમાં આ 50 બેઠકોએ સરકારની રચનામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. વર્ષ 2018ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 30, કોંગ્રેસને 17 અને જેડીએસને બે બેઠકો મળી હતી. આ પહેલા 2013માં જ્યારે લિંગાયત સમુદાયના યેદિયુરપ્પાએ ભાજપથી અલગ થઈને ચૂંટણી લડી હતી ત્યારે ભાજપને માત્ર 16 બેઠકો મળી હતી. તમને જણાવી દઈએ કે કર્ણાટકની તમામ 224 સીટો માટે 10 મેના રોજ મતદાન થવાનું છે અને મતગણતરી 13 મેના રોજ થશે.