કેન્દ્રીય મંત્રી અને અમેઠીના સાંસદ સ્મૃતિ ઈરાનીની સુરક્ષામાં મોટી ચૂકની ઘટના સામે આવી છે. હાલમાં સ્મૃતિ ઈરાની કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના લોકસભા મતવિસ્તાર રાયબરેલીના ગામડાઓ અને બ્લોકની મુલાકાત લઈ રહી છે. ત્યારે શુક્રવારે સ્મૃતિ ઈરાનીની આ વિસ્તારની એક દિવસીય મુલાકાત દરમિયાન એક નોકરીમાંથી કાઢી મૂકાયેલ કર્મચારી મંત્રીની કારની સામે કૂદી પડ્યો હતો.
નોકરીમાંથી કાઢી મુકવામાં આવતા રોષે ભરાયેલા કર્મચારીએ આ પગલું ભરીને જીવનનો અંત લાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે ચકચાર મચી ગઈ હતી. પોલીસે તરત જ તેને કસ્ટડીમાં લઈ લીધો હતો. બીજી તરફ કારમાંથી નીચે ઉતરીને કેન્દ્રીય મંત્રીએ કર્મચારીની ફરિયાદ સાંભળી અને યુવકનો મેડિકલ ટેસ્ટ કરાવવાનો નિર્દેશ આપ્યો.
જણાવી દઈએ કે નગર પંચાયત પાર્ષદેપુરમાંથી આઉટસોર્સિંગ હેઠળ મૂકવામાં આવેલા 14 કર્મચારીઓને કાઢી મૂકવામાં આવ્યા હતા. જેના કારણે તમામ કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. યુવક ધીરેન્દ્ર સિંહ પ્રયાગરાજનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. તે પાર્ષદેપુર નગર પંચાયતમાં જ પોસ્ટેડ હતો. તેને 5 મેના રોજ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.
આજે કેન્દ્રીય મંત્રીના આગમનની જાણ થતા તમામ કર્મચારીઓ કુંવર મઢ ગામે પહોંચ્યા હતા. ત્યાં અચાનક ધીરેન્દ્ર કુમારે સ્થળથી થોડે દૂર મંત્રીની કારની સામે કૂદકો માર્યો. સદ્દભાગ્યે એ સમયે કારની સ્પીડ ધીમી હતી અને ડ્રાઈવરે ઝડપથી બ્રેક લગાવીને કાર રોકી હતી.