ગુજરાત પર હાલ ‘બિપરજોય’ વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું છે. ત્યારે તંત્ર પણ વધુ સજ્જ બન્યું છે. આજે રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓમાં એનડીઆરએફની વધુ 5 ટીમોને મોકલવામાં આવી છે. વડોદરાથી 2 અને ગાંધીનગરથી 3 ટીમોને મોકલવામાં આવી હોવાની માહિતી મળી છે. આમ અત્યાર સુધીમાં 18 ટીમોને દરિયાકાંઠાના વિસ્તારોમાં તહેનાત કરવામાં આવી છે.
કેન્દ્ર સહિત રાજ્ય સરકાર દ્વારા બચાવ કામગીરી પર નજર
જણાવી દઈએ કે, અરબી સમુદ્રમાં સર્જાયેલ ચક્રવાત બિપરજોય વધુ પ્રચંડ બન્યું છે. વાવાઝોડાની ગતિમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. આગાહી છે કે 15 જૂન સુધીમાં વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા ટકરાઈ શકે છે. આથી કેન્દ્ર સહિત રાજ્ય સરકાર દ્વારા રાહત કાર્યો અને બચાવ કામગીરીની સતત નોંધ લેવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતના 1600 કિમીના દરિયાકાંઠે બચાવ કામગીરી માટે વધુને વધુ ટીમોને તહેનાત કરવામાં આવી છે. માહિતી અનુસાર, આજે વડોદરાના જરોદ સ્થિત NDRFની બટાલિટન-6ની 2 ટીમને રાજકોટ મોકલવામાં આવી છે.
વડોદરાની NDRF ટીમ રાહત સામગ્રીથી સજ્જ
ઉપરાંત, ગાંધીનગરથી 3 ટીમને પણ મોકલવામાં આવી છે, જે પૈકી 1 ટીમને દ્વારકા, 1 ટીમને ગાંધીધામ અને અન્ય એક ટીમને ભુજ મોકલવામાં આવી છે. વડોદરાથી રવાના થયેલી એનડીઆરએફની ટીમને સ્નીફર ડોગ, અંધારામાં કામ કરે તેવા બેબી જનરેટર, ધરાશાયી થયેલા વૃક્ષોને કાપવા માટે કટરો, રબર બોટ, ટોર્ચ, દોરડું સહિતની સામગ્રી આપવામાં આવી છે. વડોદરાથી રવાના થયેલી દરેક ટીમમાં 25 સભ્યો છે, જે રેસ્ક્યૂ સામગ્રીથી સજ્જ છે. જણાવી દઈએ કે, હાલ ‘બિપરજોય’ વાવાઝોડું પોરબંદરથી 300 કિમી જ્યારે દ્વારકાથી 290 કિમી તેમ જ જખૌ પોર્ટથી 340 કિલોમીટરની દૂરી પર છે.