સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારમાં પાણી ભરાતા કોંગ્રેસના ધારાસભ્યો અને કાર્યકર્તાઓ ટીમ બનાવીને ઘેડની મુલાકાત લઈને વાસ્તવિક પરિસ્થિતિનો ચિતાર મેળવી મદદ કરશે.
આ મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે વધુમાં કહ્યું હતું કે, સૌરાષ્ટટ્રના ઘેડ વિસ્તારમાં મોટી મુશ્કેલી છે લોકોના ફોન આવે છે ખેતરોમાં પાણી ભરાયા છે. કાચા મકાનમાં રહેતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સિનિયર આગેવાનોની ટીમ કાર્યકર્તાઓ સાથે જશે. આ ઉપરાંત લોકપ્રશ્નો સાથે સરકાર લોકોને મદદ કરે તે પ્રકારે પ્રયત્ન કરવામાં આવશે.
સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારમાં ખેડૂતોને ખૂબ જ મોટી તારાજી ખેતરોમાં પાણી ભરાવાના કારણે થઈ છે. ખેડૂતોને થયેલા પારાવાર નુકસાનનો ચિતાર મેળવવા તથા ઘેડ વિસ્તારના ખેડૂતો અને નાગરિકોને થયેલી મુશ્કેલીઓ નજરે જોવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી સિનિયર આગેવાનોની એક ટીમ ઘેડ વિસ્તારની મુલાકાત લેશે. પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી ઘેડ વિસ્તારની મુલાકાત લેવા જનારી ટીમનું નેતૃત્વ પૂર્વ પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા કરશે. અર્જુનભાઈ મોઢવાડીયા સાથે ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ વાજા તેમજ સિનિયર આગેવાન હીરાભાઈ જોટવા ઘેડ વિસ્તારની મુલાકાત લેશે.
તેમણે વધુમાં કહ્યું કે, પ્રદેશ કોંગ્રેસ સમિતિની ટીમની સાથે જિલ્લાના તથા ઘેડ વિસ્તારના આગેવાનો પણ જોડાશે. ઘેડ વિસ્તારમાં અવારનવાર વરસાદી પાણીનો નિકાલ નહીં થવાના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓ અને અઢળક નુકસાન ભોગવવું પડે છે. હકીકતમાં સરકારે ચોમાસા પહેલાં જ વરસાદી પાણીનો દરિયા સુધી નિકાલ થઈ જાય તે માટેની કામગીરી કરવી જોઈએ અને વરસાદી પાણી ખેડૂતોના ખેતરોમાં ન ફરી વળે તે માટે પૂર સંરક્ષણ પાળાઓ અને પૂર સંરક્ષણ દિવાલો કરવી જોઈએ તે યોગ્ય રીતે કરવામાં આવતી નથી અને આ કામગીરી માટે નબળા કામો અને કાગળ ઉપરના કામો કરીને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર પણ કરવામાં આવે છે તેવી સ્થાનિકોની વારંવાર ફરિયાદ મળે છે.
સ્થાનિક આગેવાનો તથા ખેડૂતો તરફથી મળેલી ફરિયાદો પ્રમાણે ખેડૂતોના ચોમાસુ પાકના બિયારણોનો સંપૂર્ણ નાશ થયો છે અને જમીન નવસાધ્ય કરવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કાચા અને નાના ઘરોમાં રહેતા વ્યક્તિઓના ઘરોને ખૂબ મોટાપાયે નુકસાન થયું છે. ઘેડ વિસ્તારના રસ્તાઓ અને વૃક્ષો અતિવૃષ્ટિના કારણે ક્ષતિગ્રસ્ત થયા છે. છેલ્લા કેટલાય દિવસોથી રોજનું કમાઈને રોજ ખાનારા વ્યક્તિઓ આવકવિહોણા બેઠા છે. આ સંજોગોમાં સરકાર અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોને ઉદાર હાથે સહાય કરે તેમજ અસરગ્રસ્ત લોકોને કેશડોલ્સની રકમ તાત્કાલિક ચૂકવે તે અત્યંત જરૂરી છે. અસરગ્રસ્ત વિસ્તારના લોકોને શક્ય તે તમામ મદદ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા કરવામાં આવશે તેમજ સરકાર સુધી લોકોની વ્યથા પહોંચે તે માટે લોકપ્રશ્નોને ઉજાગર કરાશે.