દેશમાં ‘પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર’ (Pradhan Mantri Bhartiya Jan Aushadhi Kendra – PMBJA ) ની સંખ્યા સતત વધી રહી છે. સરકારનો ઉદ્દેશ્ય આ કેન્દ્રો દ્વારા લોકોને પોષણક્ષમ ભાવે દવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. આ જન ઔષધિ કેન્દ્રો પર દવાઓ સસ્તા દરે ઉપલબ્ધ છે. તે જ સમયે, હવે સરકારે જન ઔષધિ કેન્દ્રોની સંખ્યા વધારવા માટે અરજીઓ આમંત્રિત કરી છે અને આ વર્ષના અંત સુધીમાં લગભગ 10,000 આવા કેન્દ્રો કાર્યરત થવાની અપેક્ષા છે. એક અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી.
ફાર્માસ્યુટિકલ્સ એન્ડ મેડિકલ ડિવાઈસીસ બ્યુરો ઓફ ઈન્ડિયા (PMBI) ના સીઈઓ રવિ દધીચે જણાવ્યું હતું કે, આ વર્ષના અંત સુધીમાં સમગ્ર દેશમાં 10,000 જન ઔષધિ કેન્દ્રો કાર્યરત થવાની અપેક્ષા છે. તેમણે જણાવ્યું કે, 31 મે સુધી દેશભરમાં કુલ 9,484 જન ઔષધિ કેન્દ્રો સક્રિય હતા.
પ્રધાનમંત્રી ભારતીય જન-ઔષધી પ્રોજેક્ટ હેઠળ દેશભરમાં 4 વેરહાઉસ
દધીચે ગુરુગ્રામના સેન્ટ્રલ વેરહાઉસ ખાતે મીડિયાને જણાવ્યું કે, આ કેન્દ્રો સ્થાપવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પ્રોજેક્ટ હેઠળ, દેશભરમાં 4 વેરહાઉસ છે જે ગુરુગ્રામ, ચેન્નાઈ, ગુવાહાટી અને સુરતમાં છે. ગુરુગ્રામમાં સ્થિત સેન્ટ્રલ વેરહાઉસ સૌથી મોટું છે. દધીચે માહિતી આપી હતી કે PMBJP હાલમાં ગુણવત્તા સાથે સમાધાન કર્યા વિના ખૂબ જ સસ્તા ભાવે 1,800 દવાઓ તેમજ 285 સર્જિકલ સાધનો પ્રદાન કરે છે.
બ્રાન્ડેડ દવાઓની સરખામણીમાં 50-90 ટકા ઓછી કિંમત
આપને જણાવી દઈએ કે, પ્રધાન મંત્રી ભારતીય જન ઔષધિ પ્રોજેક્ટની શરૂઆત ફાર્માસ્યુટિકલ્સ વિભાગ, રસાયણ અને ખાતર મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત જેનરિક દવાઓ ઉપલબ્ધ કરાવવાના છે. આ યોજના હેઠળ જેનેરિક દવાઓ માટે જન ઔષધિ કેન્દ્રના આઉટલેટ ખોલવામાં આવ્યા હતા. આ દવાઓ બ્રાન્ડેડ દવાઓ કરતાં 50-90 ટકા ઓછી કિંમતે વેચાય છે.