વડોદરામાં પિતા-દીકરાના સંબંધોને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. ગર્ભવતી પત્ની હોસ્પિટલમાં ચેકઅપ માટે ગઈ ત્યારે નરાધમ પિતા હેવાન બન્યો હતો અને સાડા પાંચ વર્ષની પોતાની જ સગી પુત્રી પર દાનત બગાડી તમામ હદો વટાવી દીકરી પર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પોલીસે પિતાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, વડોદરાના વાઘોડિયામાં એક ખાનગી કંપનીમાં વેલ્ડરનું કામ કરતો શખ્સ પરિવાર સાથે રહે છે. તેની પત્ની ગર્ભવતી હોવાથી હોસ્પિટલે ચેકઅપ માટે ગઈ હતી. દરમિયાન ઘરે પિતા અને પુત્રી એકલા હતા. ત્યારે નરાધમ પિતાએ પુત્રીને લોલીપોપની રમત રમવાનું કહીને તેની આંખે પટ્ટી મારીને પિતાએ દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે જ્યારે પત્નીને ખબર પડી તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પત્નીએ ત્વરિત બાપોદ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી સગા પતિ સામે જ ફરિયાદ કરી હતી.
આરોપી પિતા અને પીડિત બાળાનું મેડિકલ ચેકઅપ કરાયું
પત્નીની ફરિયાદના આધારે બાપોદ પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી સગી પુત્રી પર દુષ્કર્મ આચરવા સહિતના ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ પિતાનું કહેવું છે કે, તેણે પુત્રી સાથે એવું કશું નથી કર્યું. તે તો માત્ર દીકરીને રમાડતો હતો, તેની સામેના તમામ આરોપો ખોટાં છે. પોલીસે પીડિત બાળાનું પણ તબીબી પરીક્ષણ કરાવ્યું હતું. સાથે આરોપી પિતાનું પણ મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું, જેના રિપોર્ટ આવવાના બાકી છે.