રાજકોટ કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા ચેકીંગ દરમિયાન શહેરના મવડી મેઇન રોડ, લક્ષ્મીનગર અને કરણપરા વિસ્તારમાંથી અલગ-અલગ ત્રણ દુકાનોમાંથી વાસી અને અખાદ્ય ખોરાકનો જથ્થો પકડાયો હતો. આ ઉપરાંત મનહર પ્લોટ અનુગ્રહ હેલ્થ સેન્ટરમાંથી ન્યૂટ્રીશીયલ ફૂડ સપ્લીમેન્ટના નમૂના લેવામાં આવ્યા હતા. ચેકીંગ દરમિયાન મવડી મેઇન રોડ પર બાપાસીતારામ ચોક પાસે આવેલા શ્રીજી ફેન્સી ઢોસામાંથી સંગ્રહ કરેલ વાસી પ્રિપેડ ફૂડ, ગ્રેવી, ચટ્ટણી, આજીનો મોટો સહિત સાત કિલો વાસી ખોરાક મળી આવ્યો હતો. જેનું સ્થળ પર નાશ કરી હાઇજીનીંગ ક્ધડીશન જાળવી રાખવા અને યોગ્ય સ્ટોરેજ કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. લક્ષ્મીનગર પાસે મણીનગર-7માં ગંગોત્રી આઇસ્ક્રીમ એન્ડ બેકર્સમાં તપાસ દરમિયાન એક્સપાયર થયેલ ફૂડ ક્રશ અને ફ્લેવર એસેન્સ સહિત કુલ 11 લીટર અખાદ્ય જથ્થાનો નાશ કરી નોટિસ આપવામાં આવી હતી. જ્યારે કરણપરા-27માં શિવશક્તિ ટ્રાવેલ્સ પાસે મુરલીધર ડેરી ફાર્મમાંથી ચેકીંગ દરમિયાન 62 નંગ છાશના પાઉચ એવા મળી આવ્યા હતા કે જેના પર ઉત્પાદનની તારીખ દર્શાવવામાં આવી ન હતી. સ્થળ પર જ 24 લીટર છાશના જથ્થાનો નાશ કરી નમૂનો લેવામાં આવ્યો હતો. ડેરી ફાર્મના સંચાલકને લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી. આજે મંગળા મેઇન રોડ વિસ્તારમાં ખાણીપીણીની 20 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જલારામ નમકીન, અંજલી પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, જલારામ પ્રોવિઝન સ્ટોર, ઠાકર ફાસ્ટ ફૂડ, જરીયા પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, ઉમિયાજી ફરસાણ, શ્રીનાથજી ગાંઠીયા હાઉસ, સાંઇનાથ ઘુઘરા, મુન્ના કરિયાણા ભંડાર, રૂપારેલીયા નમકીન, શ્રીકૃષ્ણ ફરસાણ અને આશાપુરા રસ ડેપોને ફૂડ લાઇસન્સ સંદર્ભે નોટિસ આપવામાં આવી હતી. મંગળા મેઇન રોડ પર હાથ ધરવામાં આવેલા ચેકીંગ દરમિયાન મનહર પ્લોટ શેરી નં.11ના કોર્નર પર આવેલા અનુગ્રહ હેલ્થ સેન્ટરમાંથી ટીમેક્સ, સ્પીરૂલીયા વેજીટેરીયન ટેબ્લેટ, ન્યૂટ્રીશ્યલ ફૂડ સપ્લીમેન્ટ, ટીમેક્સ બોસવેલા વેજીટેરીયન કેપ્સૂલ્સ ડાયેટરી સપ્લીમેન્ટ અને ટીમેક્સ નોની જ્યુસના નમૂનો લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત બસ સ્ટેન્ડ પાછળ કરણપરા-37માં મુરલીધર ડેરી ફાર્મમાંથી શ્રી મુરલીધર બટર મિલ્કના નમૂના લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.