ચીનના એક યુવકે ભારતમાં નકલી સોકર સટ્ટાબાજીની એપ બનાવીને ગુજરાતના લોકો સાથે અંદાજે 1,400 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. આરોપ છે કે આ છેતરપિંડી કરનારે માત્ર નવ દિવસમાં 1200 લોકો પાસેથી આટલી મોટી રકમ પડાવી લીધી.
મીડિયા અહેવાલ મુજબ, મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ગુજરાત પોલીસ SITની રચના કરીને તપાસ કરી રહી છે. ચીનના શેનઝેનનો રહેવાસી વુ યુઆનબે (Wu Yuanbei) આ સમગ્ર ગેમનો માસ્ટરમાઈન્ડ હોવાનું કહેવાય છે. પોલીસના જણાવ્યા અનુસાર, વુ યુઆનબે 2020થી 2022ની વચ્ચે ભારત આવ્યો હતો. દરમિયાન તે બિહારની રાજધાની પટના અને ગુજરાતના બનાસકાંઠામાં રહ્યો હતો. આ દરમિયાન તેણે ‘દાની ડેટા’ એપ બનાવી હતી. એપનું નિશાન મુખ્યત્વે ગુજરાતના લોકો બન્યા હતા. જૂન 2022માં, પોલીસને પ્રથમ વખત તેના વિશે માહિતી મળી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ પોતાની એપ દ્વારા લોકોને મોટા નફાની લાલચ આપી હતી. મે, 2022માં વુ યુઆનબે અને તેના ભાગીદારોએ સોકર બેટિંગ એપ લોન્ચ કરી. લોકોને એપ પર આવીને સટ્ટો રમવાની લાલચ આપવામાં આવી હતી. આ એપ માત્ર નવ દિવસ સુધી કાર્યરત રહી. ત્યાં સુધી, આ એપની મદદથી 15થી 75 વર્ષની વયના 1,200 લોકો સાથે 1,400 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી.
મુખ્ય આરોપી ચીન ભાગી ગયો!
આ મામલામાં પહેલી FIR ઓગસ્ટ, 2022માં નોંધવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધીમાં કુલ નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જો કે, આ તમામ ધરપકડ વુ યુઆનબે દ્વારા શેલ કંપનીઓ અને હવાલા નેટવર્ક દ્વારા છેતરપિંડીની રકમ ભારતની બહાર મોકલવા સંબંધિત છે. મુખ્ય આરોપી હજુ પણ પોલીસની પહોંચની બહાર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ચીન પરત ભાગી ગયો છે. તપાસ એજન્સી તેની સામે પૂરતા પુરાવા એકત્ર કરી શકી નથી. આ જ કારણ છે કે અત્યાર સુધી તેના પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી.