આમ આદમી પાર્ટીના નેતાઓએ રાજીવ ગાંધીભવન ખાતે આપનો સાથ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે કમાન સંભાળ્યા બાદ શક્તિસિંહ ગોહીલ દ્વારા ઘર વાપસી કરાવવાનું મિશન ચાલી રહ્યું છે. ત્યારે આપમાંથી મોહભંગ થતા કેટલાક નેતાઓ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા હતા.
રાજીવ ગાંધી ભવન ખાતે મોટી સંખ્યામાં આપ પક્ષના હોદ્દેદારો, પદાધિકારીઓ વિધીવત રીતે ખેસ ધારણ કરી કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. કોંગ્રેસમાં જોડાયેલા પદાધિકારીઓ, હોદ્દેદારોને આવકારતા રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાતનો જનતાની સેવા અને પ્રજાહિતના કાર્યમાં કોંગ્રેસ પક્ષ હંમેશા કાર્યશીલ છે ત્યારે દુધમાં સાકર ભળે અને મીઠાસ વધે તેમ સૌ પદાધિકારી-હોદ્દેદારોના કોંગ્રેસ પક્ષમાં આવવાથી પ્રજા સેવાને વેગ મળશે.
આ સાથે તેમણે ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, ભાજપના ભ્રષ્ટાચાર, પેપર ફુટવા, પુલ તુટવા, મોંઘવારી અને કથળતી કાયદો વ્યવસ્થાનો ભોગ ગુજરાતનો નાગરિક બની રહ્યો છે. મોંઘુ શિક્ષણ, મોંઘી આરોગ્ય વ્યવસ્થાને લીધે સામાન્ય-મધ્યમવર્ગ હાલાકી ભોગવી રહ્યો છે, જી.એસ.ટી.નું અણઘડ અમલીકરણ, ટેક્ષનો બોજો અને ટેક્ષ ટેરેરીઝમને કારણે ગુજરાતના નાના ઉદ્યોગકાર-વેપારીઓના ધંધા-રોજગાર પર માઠી અસર થઈ છે ત્યારે ગુજરાતીઓના પ્રાણ પ્રશ્નો માટે તેમની સાથે ખભેથી ખભો મિલાવી ગુજરાતના હિતમાં કોંગ્રેસ પક્ષ સતત અવાજ ઉઠાવતો રહેશે.