સુરતના સચીન વિસ્તારમાં બે વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપીને કોર્ટ દ્વારા ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આ હચમચાવી દેનાર ઘટનામાં આખરે પીડિતાના પરિવારને ન્યાય મળ્યો છે. આ કેસમાં 11 દિવસમાં જ આરોપી સામે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી.
બે વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના કેસમાં કોર્ટે યુસુફ ઈસ્માઈલને ફાંસીની સજા ફટકારી છે. તેણે બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો.
સુરતના સચિન વિસ્તારમાં પાંચ મહિના પહેલા આ પ્રકારે ઘટના બની હતી. બે વર્ષની બાળકી પર બળાત્કાર કરીને તેની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં સુરત કોર્ટે આરોપીઓને દોષિત ઠેરવ્યો હતો. આજે આરોપીને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે.
પોલીસે તાત્કાલિક માત્ર 11 દિવસમાં જ આરોપી સામે ચાર્જશીટ રજૂ કરી હતી. ગુનામાં 48 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી. કોર્ટમાં કુલ 431 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપીના મોબાઈલ ફોનમાંથી 200 જેટલા અશ્લીલ ફોટોગ્રાફ્સ પણ મળી આવ્યા હતા. આ કેસમાં 85 દસ્તાવેજી કાગળો રજૂ કરવામાં આવ્યા હતા. આમ સમગ્ર મામલે આજે અદાલતે આરોપીને ફાંસીની સજા ફટકારી છે.