આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે સ્વતંત્રતા પર્વના અવસરે માતૃભૂમિના વીરો અને માટીને વંદનની થીમ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મેરી માટી, મેરા દેશ કાર્યક્રમ
યોજાશે. વીરોને નમન કરવાના હેતુથી દરેક પંચાયતમાં શિલાફલકમ એટલે કે તકતી મૂકવામાં આવશે. જ્યાં ઉપલબ્ધ હોય ત્યાં અમૃત સરોવરની આસપાસ આ તકતી મૂકવામાં આવશે.
જ્યાં જળાશયો ઉપલબ્ધ ન હોય ત્યાં પંચાયત કચેરી, શાળા પાસે તકતી મૂકવામાં આવશે. જેમાં સ્થાનિક વીરોના નામ અંકિત કરવામાં આવશે. આ તકતીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો વિચાર, વીરોના નામ અને પંચાયતના સ્થળનું નામ સહિતની વિગતો હશે.
અમદાવાદ જિલ્લામાં પણ મેરી માટી, મેરા દેશ અભિયાનની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. સાથે સાથે માતૃભૂમિ માટે પ્રાણ ન્યોછાવર કરનારા વીરોની વંદના પણ કરવામાં આવશે.
જિલ્લાના તમામ 469 જેટલા ગામોમાં વીર શહીદોના નામ સાથે શિલાફલકમ લગાવવામાં આવશે.
જિલ્લાના 469 ગામો પૈકી 257 અમૃત સરોવરો સહિત ગામોના તળાવો અથવા જળાશયો પાસે શિલાફલકમનું નિર્માણ કરવામાં આવશે. જ્યારે 160 ગામોમાં શાળાના મેદાનમાં શિલાફલકમ મૂકવામાં આવશે. આ ઉપરાંત 37 જેટલા ગામોમાં પંચાયત ખાતે અને 15 ગામોમાં મંદિરના પ્રાંગણમાં શિલાફલકમનું નિર્માણ કરવામાં આવશે.
હાલની સ્થિતિએ જિલ્લાના 74 જેટલા ગામોમાં શિલાફલકમની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે જ્યારે બાકી રહેલા ગામોમાં આગામી તા. 7 ઓગસ્ટ સુધી કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે.
આ તકે કલેકટર પ્રવીણા ડી.કે. એ જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવને ભવ્ય અને યાદગાર બનાવવા માટે મારી માટી, મારો દેશ માટીને નમન, વીરોને વંદન અભિયાન અંતર્ગત સમગ્ર અમદાવાદ જિલ્લામાં લોકોની સહભાગિતા સુનિશ્રિત કરી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે.
જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેએ જણાવ્યું કે, જિલ્લાના દરેક ગ્રામ પંચાયતમાં શહીદ થયેલા વીરોને આ શિલાફલકમ થકી શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે. આ અભિયાન અંતર્ગત તા. 9થી 12 ઓગસ્ટ સુધીમાં જિલ્લાના તમામ 469 જેટલા ગામોમાં તબક્કાવાર ઉજવણી કરાશે.
* તા. 9 ઓગસ્ટ ના રોજ 123 ગામોમાં કાર્યક્રમ યોજાશે.
* તા. 10 ઓગસ્ટ ના રોજ 147 ગામોમાં કાર્યક્રમ યોજાશે.
* તા. 11 ઓગસ્ટ ના રોજ 159 ગામોમાં કાર્યક્રમ યોજાશે.
* તા. 12 ઓગસ્ટ ના રોજ 40 ગામોમાં કાર્યક્રમ યોજાશે