કૈલાશ માનસરોવર યાત્રાને લઈને ચીન તરફથી હજુ સુધી કોઈ સંકેત મળ્યા નથી, પરંતુ ભારત સરકાર ઉત્તરાખંડ થઈને વૈકલ્પિક માર્ગ પર કામ કરી રહી છે. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) ઉત્તરાખંડથી કૈલાશ માનસરોવર યાત્રા રૂટ માટે ટનલ બનાવવાની યોજના પર કામ કરી રહ્યું છે. આ અંગે અધિકારીઓનું કહેવું છે કે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) એ પિથોરાગઢ જિલ્લાના નાભિધાંગમાં KMVN હટ્સથી લઈને ભારત-ચીન સરહદ પર લિપુલેખ પાસ સુધીના રસ્તાને કાપવાનું કામ શરૂ કર્યું છે, જે સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે. BROના ડાયમંડ પ્રોજેક્ટના ચીફ એન્જિનિયરનું માનીએ તો, ‘અમે નાભિધાંગમાં KMVN હટ્સથી લિપુલેખ પાસ સુધીના લગભગ 6.5 કિલોમીટર લાંબા રસ્તાને કાપવાનું કામ શરૂ કરી દીધું છે.’ રોડ પૂરો થયા બાદ રોડની બાજુમાં ‘કૈલાશ વ્યુ પોઈન્ટ’ તૈયાર થઈ જશે.
ક્યાંથી શરૂ થાય છે કૈલાસ માનસરોવર યાત્રા?
કૈલાશ માનસરોવર યાત્રાનું આયોજન ઉત્તરાખંડ, દિલ્હી અને સિક્કિમની રાજ્ય સરકારોના સહયોગથી અને ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)ના સહયોગથી કરવામાં આવે છે. કુમાઉ મંડળ વિકાસ નિગમ (KMVN) અને સિક્કિમ ટૂરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન (STDC) અને તેમની સિસ્ટર ઓર્ગેનાઈઝેશન્સ ભારતમાં પ્રવાસીઓની દરેક બેચને સહાય અને સુવિધાઓ પૂરી પાડે છે. દિલ્હી હાર્ટ એન્ડ લંગ ઇન્સ્ટિટ્યૂટ આ પ્રવાસ માટે અરજદારોનું ફિટનેસ સ્તર નક્કી કરવા માટે મેડિકલ ટેસ્ટ કરાવે છે.
કૈલાશ માનસરોવર યાત્રાનો ખર્ચ કેટલો થાય છે?
કૈલાશ માનસરોવર યાત્રાનો ખર્ચ તમે જે રૂટ પસંદ કરો છો તેના પર આધાર રાખે છે. લિપુલેખ માર્ગની કિંમત લગભગ 1.5 લાખ રૂપિયા પ્રતિ વ્યક્તિ છે. તે લગભગ 25 દિવસ લે છે. બીજા રૂટમાં વ્યક્તિદીઠ રૂ.1.7 લાખનો ખર્ચ થાય છે.
છેલ્લી યાત્રા 2019 માં થઈ હતી
લિપુલેખ પાસથી કૈલાશ માનસરોવર યાત્રા છેલ્લે 2019માં કરવામાં આવી હતી. આ વર્ષે યાત્રા ફરી શરૂ થઈ હોવા છતાં વિઝાના ધોરણો કડક કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આ યાત્રા ચીનમાંથી પસાર થતી હતી, જેમાં ખર્ચ સતત વધી રહ્યો હતો. તેનાથી બચવા માટે યાત્રાળુઓ માટે વૈકલ્પિક માર્ગ શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી.