RBIએ શુક્રવારે લોનના હપ્તા એટલે કે EMIને લઈને નવી ગાઈડલાઈન જારી કરી. જેમાં લોન લેનારાઓ માટે અનેક પ્રકારની રાહતો આપવામાં આવી છે. પરંતુ આમાં તેમના માટે ચિંતાજનક બાબત પણ છે. જો નવા નિયમો લાગુ થયા પછી વ્યાજદરમાં વધારો થવા પર બેંકો અને ફાઇનાન્સ કંપનીઓને કેટલીક હોમ લોન પરના હપ્તા વધારવાની ફરજ પડી શકે છે. આ સાથે, લોન લેનાર માટે રકમ ઘટી જશે. નવા નિયમો મુજબ, જ્યારે વ્યાજ દરમાં ફેરફાર થશે ત્યારે લોન લેનારાઓને ફિક્સ રેટ લોન પર શિફ્ટ કરવાનો વિકલ્પ આપવામાં આવશે. બેંકો વર્તમાન દર કરતા વધુ દરે રિપેમેન્ટ કેપેસીટીની ગણતરી કરશે, જેનાથી ઉધાર લેનારાઓ માટે લોનની રકમ ઘટી શકે છે. પારદર્શિતા વધારવા માટે રચાયેલ નવા નિયમો નવા અને હાલના લોન લેનારાઓ માટે 31 ડિસેમ્બરથી લાગુ થશે.
જો વ્યાજ દરમાં તીવ્ર વધારો થાય છે, તો બેંકોએ ખાતરી કરવી પડશે કે EMI લોન પરના માસિક વ્યાજને આવરી લેવાનું ચાલુ રાખે છે અને હપ્તા ભર્યા પછી બાકી રકમમાં વધારો થતો નથી. લોન મંજૂરી પત્રમાં ફ્લોટિંગથી ફિક્સ્ડ રેટ સુધીના કન્વર્ઝન ચાર્જિસ જાહેર કરવાના રહેશે. હાલમાં, બેંકો પ્રવર્તમાન વ્યાજ દરોના આધારે ઉધાર લેનારની લોન પુન:ચુકવણી ક્ષમતાની ગણતરી કરે છે. ઉદાહરણ તરીકે, જો લોન લેનાર પાસે નિવૃત્ત થવા માટે 20 વર્ષ છે, તો તે 6.5%ના વ્યાજ દરે રૂ. 1 કરોડની લોન પર રૂ. 74,557ની EMI ચૂકવી શકે છે. પરંતુ 11 ટકાના દર પ્રમાણે આ રકમ માત્ર 72 લાખ રૂપિયા જ રહેશે.
કેટલો વધશે હપ્તો
હાલમાં માત્ર કેટલીક બેંકો અને HFC ફિક્સ વ્યાજ પર હોમ લોન ઓફર કરે છે. કેટલીક બેંકો હાઈબ્રિડ વ્યાજ દરો પર હોમ લોન ઓફર કરી રહી છે. જેમ જેમ મુદત વધે તેમ લોનના વ્યાજ દરનું જોખમ વધે છે, તેથી બેંકો નિશ્ચિત દરની હોમ લોન માટે વધુ વ્યાજ વસૂલે છે. ઉદાહરણ તરીકે, ICICI બેંકમાં ફ્લોટિંગ રેટ 9 થી 10.5 ટકા છે જ્યારે ફિક્સ્ડ રેટ 11.2 થી 11.5 ટકા છે. એ જ રીતે, એક્સિસ બેંકમાં ફ્લોટિંગ રેટ નવથી 13.3 ટકા છે જ્યારે ફિક્સ્ડ રેટ 14 ટકા છે. IDBI બેંકમાં ફ્લોટિંગ રેટ 8.5% થી 12.3% છે જ્યારે ફિક્સ રેટ 9.6% થી 10.1% છે. LIC હાઉસિંગ ફાઇનાન્સની વાત કરીએ તો તેમાં ફ્લોટિંગ રેટ 8.5 થી 10.8 ટકા છે જ્યારે ફિક્સ્ડ રેટ 10 થી 10.3 ટકા છે.