ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પુન ગામની સીમમાં એક વર્ષ પૂર્વે થયેલ વીજ ટ્રાન્સફોર્મરની ચોરીમાં સામાન ભરીને લઇ જનાર એક ટેમ્પોચાલકની ધરપકડ કરવામાં આવી છે. આ પકડાયેલા ટેમ્પોચાલકને પોલીસ એક વર્ષથી શોધી રહી હતી. અગાઉ આ ગુનામાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે ટેમ્પોચાલક એક વર્ષથી ફરાર હતો. આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ગત માર્ચ, 2022માં પુનગામની સીમમાં કેટલાક તસ્કરો વીજ કંપનીના વીજ ટ્રાન્સફોર્મરને તોડી તેમાંથી વિદ્યુત કોયલની ચોરી કરી (કિંમત રૂ.17,500 ) ફરાર થઇ ગયા હતા. આ મામલે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી 3 કોપર ચોરોની ધરપકડ કરી હતી.
એક વર્ષથી વોન્ટેડ આરોપી સુરતમાં હોવાની માહિતી મળી હતી
આરોપીઓની પૂછપરછમાં સામાન ભરી લઈ જનાર ટેમ્પોચાલક ભવનસિંગ રાજપૂતનું નામ સામે આવ્યું હતું. આથી પોલીસે તેની શોધખોળ આદરી હતી. પરંતુ, એક વર્ષ સુધી તેની કોઈ ભાળ મળી નહોતી. પરંતુ, ગત રોજ પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે, સુરત ખાતે પુણાગામની ગુરુનગર સોસાયટીમાં મૂળ રાજસ્થાનનો ટેમ્પોચાલક ભવનસિંગ રહે છે. આથી પોલીસની ટીમે ત્યાં જઈ દરોડો પાડી ભવનસિંગની ધરપકડ કરી હતી. આ મામલે પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરી છે.