હિંદુ કેલેન્ડર મુજબ, પિતૃ પક્ષ ભાદ્રપદ મહિનાની પૂર્ણિમાના દિવસે શરૂ થાય છે અને અશ્વિન મહિનાના કૃષ્ણ પક્ષની અમાવાસ્યાના દિવસે સમાપ્ત થાય છે. આવી સ્થિતિમાં, આ વખતે પિતૃ પક્ષ 29 સપ્ટેમ્બર 2023થી શરૂ થશે અને 14 ઓક્ટોબરે સમાપ્ત થશે. આ સમય દરમિયાન પૂર્વજોની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ, તર્પણ અને પિંડ દાન કરવામાં આવે છે. આ સિવાય આ સમયગાળામાં દાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. એવું માનવામાં આવે છે કે વ્યક્તિની આત્માને તેના કાર્યોના આધારે સ્વર્ગ કે નરકમાં સ્થાન મળે છે. ગરુડ પુરાણ અનુસાર જો કોઈ વ્યક્તિ પાસે મૃત્યુ સમયે આ વસ્તુઓ હોય તો તે વ્યક્તિને સીધું વૈકુંઠમાં સ્થાન મળે છે. જણાવી દઈએ કે ગરુડ પુરાણમાં જીવન અને મૃત્યુની ઘટનાઓનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં મોક્ષ મેળવવાના કેટલાક ઉપાયોનો પણ ઉલ્લેખ છે. ચાલો તેના વિશે જાણીએ…
ભગવત ગીતા –
ગરુડ પુરાણ અનુસાર, મૃત્યુ સમયે જો કોઈ વ્યક્તિને ભગવદ ગીતાનો પાઠ સંભળાવવામાં આવે, તો તે વ્યક્તિ સરળતાથી પ્રાણ ત્યાગી શકે છે અને યમદૂતો તેને સ્પર્શ કરી શકતા નથી. તેનાથી વ્યક્તિને સ્વર્ગમાં સીધું સ્થાન મળે છે.
તુલસી –
હિંદુ ધર્મમાં તુલસીનું વિશેષ મહત્ત્વ છે અને તુલસીના પાનને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ સમયે જો તેના પાન કોઈ મરનાર વ્યક્તિના મોઢામાં મુકવામાં આવે તો વ્યક્તિનો સુખદ અંત આવે છે અને તેની આત્માને સ્વર્ગમાં સ્થાન મળે છે.
તલ –
હિંદુ શાસ્ત્રો અનુસાર, તલ પવિત્ર છે કારણ કે તે ભગવાન વિષ્ણુના પરસેવામાંથી ઉત્પન્ન થાય છે અને તેથી જ્યારે પણ કોઈ વ્યક્તિના મૃત્યુનો સમય નજીક આવે છે, ત્યારે તેના હાથથી તલનું દાન કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે તલનું દાન કરવું એક મોટું દાન માનવામાં આવે છે અને તેનું દાન કરવાથી અસૂર, દૈત્ય અને દાનવો દૂર રહે છે. આ સિવાય કાળા તલ હંમેશા મૃત વ્યક્તિની પાસે રાખવા જોઈએ.
કુશ –
કુશ એક પ્રકારનું ઘાસ છે અને તેના વિના ભગવાનની પૂજા અધૂરી છે. એવું માનવામાં આવે છે કે કુશની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુના વાળમાંથી થઈ હતી. મૃત્યુ સમયે તે વ્યક્તિને કુશની ચટાઈ પર સુવડાવવો જોઈએ. આ પછી કપાળ પર તુલસીનું પાન રાખવું જોઈએ. તમને જણાવી દઈએ કે જો કોઈ વ્યક્તિના મૃત્યુ પહેલા આ ઉપાયો કરવામાં આવે તો તેને શ્રાદ્ધ કર્યા વિના જ સ્વર્ગમાં સ્થાન મળે છે.
ગંગા જળ –
ગરુડ પુરાણ અનુસાર જ્યારે કોઈ વ્યક્તિના મૃત્યુનો સમય નજીક આવે ત્યારે તેના મોંમાં થોડું ગંગાજળ નાખવું જોઈએ. કારણ કે ભગવાન વિષ્ણુના ચરણ કમળમાંથી નીકળતી ગંગા પાપોનો નાશ કરે છે અને પાપોનો નાશ થતાં જ વ્યક્તિને વૈકુંઠ પ્રાપ્તિનો અધિકાર મળે છે. આ જ કારણ છે કે અંતિમ સંસ્કાર પછી ભસ્મ ગંગામાં વિસર્જન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યાં સુધી આ ભસ્મ ગંગામાં રહે છે ત્યાં સુધી વ્યક્તિ સ્વર્ગનું સુખ ભોગવે છે.