રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત પ્રદ્યુમ્ન પ્રાણી ઉદ્યાનમાં હાલ ૬૭ પ્રજાતિઓના ૫૫૫ વન્ય પ્રાણી-પક્ષીઓ નિવાસ કરે છે. આ ઝુની દર વર્ષે ૭.૫૦ લાખથી પણ વધુ સહેલાણીઓ મુલાકાત લે છે. પ્રદ્યુમ્ન પ્રાણી ઉદ્યાનના સુપ્રિટેન્ડન્ટ ડો.હિરપરાના જણાવ્યા અનુસાર, એશિયાઈ સિંહ, વાઘ, સફેદ વાઘ, દિપડો, બે રિંછ, મગરો, હરણો, વાંદરા, શ્વાન, અત્યાધુનિક સાપધર અને માછલીઘર મુલાકાતીઓનું આકર્ષણનું કેન્દ્ર છે. સસ્તન ૨૭ પ્રજાતિ ધરાવતા ૧૭૪ પ્રાણીઓની, ૨૬ પ્રજાતિના ૩૩૪ પક્ષીઓ, ૧૪ સરીસૃપ પ્રજાતિના ૪૭ પ્રાણીઓ આ પાર્કમાં વિહરી રહ્યા છે. આ પ્રાણી ઉદ્યાન ખાતે એશિયાઈ સિંહ, વાઘ, સફેદ વાઘ, દિપડો, બે પ્રજાતિના રિંછ, બે પ્રજાતિની મગરો, છ પ્રજાતિના હરણો, ચાર પ્રજાતિના વાંદરા, ચાર પ્રજાતિના શ્વાન કુળના પ્રાણીઓ, જુદી જુદી પ્રજાતિઓના નાના પ્રાણીઓ, જુદી જુદી પ્રજાતિઓના સાપ તેમજ જુદી જુદી પ્રજાતિઓના પક્ષીઓ જોવા મળે છે. લોકોમાં વન્યસૃષ્ટિ વિશે સમજ અને જાગૃતિ ફેલાવવાના ભાગરૂપે રાજકોટ પ્રાણી ઉદ્યાન દ્વારા ખુબ જ આકર્ષક સ્ટેટ ઑફ ધ આર્ટ માહિતી કેન્દ્રનું નિર્માણ કરવામાં આવેલ છે. જે મુલાકાતીઓને ઝુ વિશે, પ્રાણીઓ વિશે, ગીર અભ્યારણ્ય અને ઘુડખર અભ્યારણ્ય, કચ્છ વિસ્તારના નિવસનતંત્ર વગેરે વિશે ઘણી ઉપયોગી માહિતી પૂરી પાડે છે. આ ઈન્ટરપ્રીટેશન સેન્ટરમાં થીમ આધારીત જુદા જુદા પ્રદર્શન કક્ષ બનાવવામાં આવ્યા છે. જેમાં પ્રાણી સંગ્રહાલય કક્ષ, ગિર ઇકો સિસ્ટમ, સસ્તન વર્ગનાં પ્રાણીઓ, પક્ષી જગત, સરીસૃપ વર્ગ, કચ્છ ઇકો સિસ્ટમ, એજ્યુકેશન કક્ષનો સમાવેશ થાય છે. ઝુની મુલાકાત દરમિયાન સહેલાણીઓ આનંદિત રહે તેમજ તેમને દરેક જરૂરી સુવિધાઓ મળી રહે તે હેતુથી ૧૦ બેટરી સંચાલીત કાર, ૮ ઠંડા પાણીના પરબ, ૮ રેસ્ટીંગ શેડ, ૮ ક્રિડાંગણ લોન, ૫ ટોઇલેટ બ્લોકસ, ૪ કેન્ટીન, ૩ બાળ ક્રિડાંગણ, ૫ લોન અને ગાર્ડન, મુલાકાતીઓ માટે ૧૦૦ બેન્ચીસ, ૨ વ્હીલ ચેર, ૪ બેબી પ્રામની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. ઝુનામાં ૩ વર્ષથી નીચેના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ છે.