સિક્કિમના લોનાક તળાવ પર અચાનક વાદળ ફાટવાથી તિસ્તા નદીમાં ભારે પૂર આવ્યું છે. આ પૂરમાં ભારતીય સેનાના 23 જવાનો ગુમ થયા છે. જો કે સેન્ટ્રલ વોટર કમિશને કહ્યું કે, તિસ્તા નદીનું જળસ્તર ખતરાના નિશાનથી નીચે છે.
પીએમ મોદીએ સિક્કિમના સીએમ સાથે વાત કરી
પીએમ મોદીએ સિક્કિમમાં આવેલા ભીષણ પૂર અંગે સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ સાથે વાત કરી હતી. પીએમ મોદીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું કે, તેમણે સિક્કિમની પરિસ્થિતિ અંગે રાજ્યના સીએમ સાથે વાત કરી અને દુર્ભાગ્યપૂર્ણ કુદરતી આફતની સ્થિતિ વિશે તેમની પાસેથી માહિતી લીધી. તેમણે કહ્યું કે, સિક્કિમમાં કોઈપણ પડકારનો સામનો કરવા માટે દરેક સંભવિત સહયોગની ખાતરી આપવામાં આવી છે. હું પ્રભાવિત લોકોની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું.
તિસ્તા નદીનું જળસ્તર ખતરાના નિશાનથી નીચે
સેન્ટ્રલ વોટર કમિશનના ડેટા અનુસાર બુધવારે બપોરે 1 વાગ્યા સુધી તિસ્તા નદીનું જળસ્તર ખતરાના નિશાનથી નીચે હતું. અધિકારીઓએ જણાવ્યું કે મંગળવારે મોડી રાત્રે વાદળ ફાટવાને કારણે તિસ્તા નદીમાં ભારે પૂર આવ્યું. પાંચ લોકોના મોત થયા છે અને સેનાના 23 જવાનો પણ ગુમ થયા છે. ગંગટોક સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ મહેન્દ્ર છેત્રીએ કહ્યું કે, ગોલીતાર અને સિંગતમમાંથી પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ સિવાય ગોલીતારમાંથી ત્રણ લોકોને બચાવી લેવાયા છે.
4 હજાર લોકોનું રેસ્ક્યૂ
પાક્યોંગ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તાશી ચોપલે જણાવ્યું કે, અચાનક પૂરને કારણે ઘણી ઇમારતો અને વાહનોને નુકસાન થયું છે. તેમણે કહ્યું કે, આ પૂરમાં જાનમાલના નુકસાનના અહેવાલો પણ મળ્યા છે. 20 લોકો ગુમ થયા હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ આવા અહેવાલો પણ સામે આવ્યા છે, જેમાં સેનાના 23 જવાનો લાપતા હોવાનું કહેવાય છે. પૂરના કારણે લગભગ ચાર હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લામાં 5 રાહત કેમ્પ પણ ખોલવામાં આવ્યા છે. વિંગ કમાન્ડર હિમાંશુ તિવારીએ જણાવ્યું હતું કે, સેનાના 23 જવાન હજુ પણ લાપતા છે અને 41 વાહનો કાદવમાં ફસાયેલા છે. સિક્કિમની લાચેન ખીણમાં અચાનક પૂર આવ્યા બાદ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) એ સિક્કિમના સિંગતામમાં વાદળ ફાટવાથી પૂરને કારણે 7 લોકોને બચાવ્યા છે. NDRFએ કહ્યું કે, એક ટીમ ગંગટોકમાં અને બે ટીમ પશ્ચિમ બંગાળ અને સિક્કિમની આસપાસના વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે.