યુએસ નેશનલ વેધર સર્વિસ મુજબ, હાલમાં આખા દેશમાં લગભગ 20 કરોડ લોકો ચેતવણીવાળા વિસ્તારોમાં રહે છે. હાલમાં, હિમવર્ષા અને તોફાનને કારણે ચેતવણીના વિસ્તારોની સંખ્યા પણ તેના રેકોર્ડ સ્તરે છે.
એટલું જ નહીં, હિમવર્ષા અને ઠંડીના કારણે શુક્રવારે અમેરિકા જતી-આવતી લગભગ 5,000 ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. જેના કારણે નાતાલ અને નવા વર્ષની રજાઓના અવસર પર પણ મોટી સંખ્યામાં લોકો એરપોર્ટ પર પરેશાન જોવા મળ્યા હતા. એવું માનવામાં આવે છે કે અમેરિકામાં આ ઠંડીની સ્થિતિમાં જલ્દી સુધારો નહીં થાય.
અહેવાલો અનુસાર, બરફનું વાવાઝોડુ અમેરિકાની એક સરહદથી બીજી સરહદે સુધી પસાર થયું. જેના કારણે કેનેડામાં પણ ફ્લાઈટ પર મોટી અસર જોવા મળી છે. અહીં વેસ્ટજેટે ટોરોન્ટોના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તમામ ફ્લાઈટ્સ કેન્સલ કરી છે. બીજી તરફ, મેક્સિકન બાજુએ યુએસ બોર્ડર પર સેંકડો ઇમિગ્રન્ટ્સ થીજી જતા ઠંડીમાં ધ્રૂજતા જોવા મળ્યા હતા. જણાવી દઈએ કે આ ઈમિગ્રન્ટ્સના અમેરિકામાં પ્રવેશ અંગે સુપ્રીમ કોર્ટે નિર્ણય લેવાનો છે. કોરોના રોગચાળાને કારણે, 2020 થી સ્થળાંતર કરનારાઓને આશ્રય આપવા પર પ્રતિબંધ છે.