વીડિયો સ્ટ્રીમિંગ એપ્સના ક્ષેત્રમાં JioCinemaએ જોરદાર સફળતા મેળવી છે, જેના કારણે Disney Plus Hotstarને ભારે પડકાર મળી રહ્યો છે. આવી સ્થિતિમાં કંપની પોતાનો ભારતીય બિઝનેસ વેચવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટની માનીએ તો, Disney Plus Hotstarને દિગ્ગજ બિઝનેસમેન ગૌતમ અદાણી ખરીદવાની તૈયારી કરી રહ્યા છે.
એક ખાનગી મીડિયા રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ડિઝની પ્લસ હોટસ્ટાર છેલ્લા કેટલાક દિવસોથી ગૌતમ અદાણી સાથે વાતચીત કરી રહી છે. આ સિવાય સન ટીવી નેટવર્કના માલિક કલાનિતિ મારન સાથે પણ આ અંગે વાતચીત ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે ડિઝની પ્લસ હોટસ્ટાર સંભવિત ભાગીદારો પર વિચાર કરી રહી છે અને બિઝનેસ વેચી શકે છે. રિપોર્ટ છે કે, છેલ્લા ઘણા સમયથી ડિઝની પ્લસ હોટસ્ટારના સબસ્ક્રાઈબર્સ ઘટી રહ્યા છે. આવી સ્થિતિમાં કંપની ભારતથી બહાર નીકળવા માંગે છે.
jioCinema એ બગાડી રમત
સ્પોર્ટ્સ ઈવેન્ટ્સના વીડિયો સ્ટ્રીમિંગ માટે ડિઝની પ્લસ હોટસ્ટાર એ એક મોટું અને ખાસ પ્લેટફોર્મ હતું, જેના કારણે કંપનીને ઘણો નફો થતો હતો, પરંતુ ગયા વર્ષે જિયોએ ફિફા વર્લ્ડ કપ અને ક્રિકેટ મેચનું ફ્રી સ્ટ્રીમિંગ કરીને ડિઝની પ્લસ હોટસ્ટારની આખી ગેમને બગાડી નાખી હતી. જો કે, ફરી એકવાર ડિઝની પ્લસ હોટસ્ટારે એશિયા કપ અને ક્રિકેટ વર્લ્ડ કપના રાઈટ્સ મેળવીને બિઝનેસ બચાવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તેમ છતાં કંપની સામે ઘણો પડકાર છે.
જિયો સિનેમાની મુશ્કેલીઓ વધી શકે છે
અહેવાલ છે કે જો ગૌતમ અદાણી અથવા કલાનિધિ મારન ડિઝની પ્લસ હોટસ્ટારની માલિકી મેળવે છે, તો તે JioCinema સાથે સીધી સ્પર્ધા કરશે. આવી સ્થિતિમાં મુકેશ અંબાણીની મુશ્કેલીઓ વધી શકે છે, પરંતુ સામાન્ય વપરાશકર્તાઓને આનો ફાયદો મળી શકે છે, કારણ કે બંને કંપનીઓ દ્વારા સસ્તા સબસ્ક્રિપ્શન ઓફર કરવામાં આવી શકે છે.