સુરેન્દ્રનગર: તારીખ ૨૧/૧૧/૨૦૨૨ ના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે ચૂંટણી પ્રચાર દરમ્યાન પીએમ મોદીએ સુરેન્દ્રનગરથી સંબોધન કરતા કહ્યું કે, વિકાસના કામોમાં અમે હિસાબ આપવા તૈયાર છીએ પણ કોંગ્રેસ વાળા હવે વિકાસની વાત જ નથી કરતા. કોંગ્રેસવાળા કહે છે કે આ મોદીને તેની ઓકાત બતાવી દઇશું, અરે મારી કોઈ ઓકાત નથી. હું સામાન્ય પરિવારમાંથી આવ્યો છું ભાઈ. અરે અમારી કોઈ ઓકાત નાથી, વિકાસના કામોની ચર્ચા કરો.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા મધુસૂદન મિસ્ત્રીએ રાજીવ ભવનમાં પાર્ટીનો ઢંઢેરો લૉન્ચ કર્યા બાદ એક ટીવી ચેનલ સમક્ષ નિવેદન આપતા કહ્યું હતું કે, તેઓ પીએમ મોદીને ગુજરાત ચૂંટણીમાં તેમની ‘ઓકાત’ બતાવશે. પીએમ નરેન્દ્ર મોદી ગમે તેટલી કોશિશ કરે તેઓ સરદાર પટેલ બની શકતા નથી.
પીએમ મોદીએ કહ્યું કે, ‘કોંગ્રેસીઓ કહેતા કે ગુજરાતમાં 24 કલાક વીજળી મળે જ નહીં ત્યારે હું કહેતો કે અઘરા કામ કરવા માટે જ મને બેસાડ્યો છે અને હું કામ કરીને બતાવીશ. મે સુરેન્દ્રનગરની ધરતી પર આવીને શપથ લીધા હતા કે આ ધરતીને પાણીદાર બનાવી દઇશું કારણ કે અહીના લોકો પાણીદાર છે. સુરેન્દ્રનગરમાં હેન્ડપંપ અને ટેન્ક માફિયાઓનું રાજ હતું, નેતાઓના ભત્રીજાઓને જ ટેન્કર મળતા હતા. આ ચૂંટણી નર્મદા વિરોધીઓને સજા કરવાની ચૂંટણી બનવી જોઈએ. આ ચૂંટણી મોદી કે ભૂપેન્દ્ર નથી લડતા, ગુજરાતની જનતા આ ચૂંટણી લડી રહી છે.
પીએમ મોદીના ગુજરાત પ્રવાસના પ્રચારમાં સુરેન્દ્રનગરમાં જંગી જનસભાને સંબોધતા પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રચંડ પ્રહાર કર્યા હતા.
