વલસાડ જિલ્લાની પારડી બેઠક પર કોંગ્રેસે ભાજપના ઉમેદવાર કનુ દેસાઈ સામે જયશ્રીબેન પટેલને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે, જેમણે વાપીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો અને સમર્થકો સાથે ચૂંટણી પ્રચાર કર્યો હતો,
વાપીના ઝંડા ચોકથી શરુ થયેલી જયશ્રીબેનની પદયાત્રા સરદાર ચોક, ગીતા નગર કોપરલી રોડ, ઇમરાન નગર ગોદાલનગર સહીતના વિવિધ વિસ્તારોમાં ફરી હતી, જયશ્રીબેન પટેલની આ ચૂંટણી યાત્રામાં વાપી શહેર પ્રમુખ નિમેષ વશી, વાપી પાલિકા સભ્ય પીરુ મકરાણી, નેતા વિપક્ષ ખંડુ પટેલ, વાપી તાલુકા કોંગ્રેસ પ્રમુખ રમેશ પટેલ સાથે હજારોની સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો અને સમર્થકો જોડાયા, હતા કોંગ્રેસની આ ચૂંટણીલક્ષી પદયાત્રા દરમ્યાન નિમેષ વશીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના ઉમેદવાર જયશ્રીબેન પટેલને પારડી વિધાનસભા બેઠક પર જીત અપાવવા કોંગ્રેસ દ્વારા જંગી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો, સમાજના આગેવાનો, મતદારો સ્વયંભૂ જોડાયા છે. રેલી માટે તેમણે 1000 ટી-શર્ટ તૈયાર કરી હતી જે ઓછી પડી છે. લોકોનો એક જ સૂર છે કે આ વખતે બતાવી દેવું છે કે કોંગ્રેસ શું છે? ખુદ વડાપ્રધાને વાપી સહિત જિલ્લામાં ત્રણ સ્થળે આવવું પડે છે. એક જ દિવસમાં ચાર ચાર સભા કરવી પડે છે તે જ બતાવે છે કે પરિવર્તનની લહેર છે. વાપી શહેરના મત માટે આ વખતે જયશ્રીબેન ને અમે પ્રોમિસ કર્યું છે કે વાપી શહેર જ કોંગ્રેસના ઉમેદવારને લીડ અપાવશે. તો રેલીમાં જોડાયેલા પારડી વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જયશ્રીબેન પટેલે જણાવ્યું હતું કે દેશના નેતા રાહુલ ગાંધી ભારત જોડવાની વાત લઈને નીકળ્યા છે. ત્યારે અમે અહીં કોંગ્રેસી કાર્યકર્તાઓ સાથે વાપી અને પારડીના મતદારોને જોડવા નીકળ્યા છીએ જેમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. તો પરપ્રાંતીય લેબર મતદારોની સંખ્યા આ વિસ્તારમાં વધુ હોય અને ઔદ્યોગિક એકમોના ઉદ્યોગકારોએ કનુભાઈ ને 1 લાખ મતની લીડથી વિજય બની બનાવવાના આહવાન સંદર્ભે જયશ્રીબેન પટેલે જણાવ્યું હતું કે ઉદ્યોગપતિઓ આવી વાત કરે છે. પરંતુ ઉદ્યોગપતિઓએ કામદારોના પગાર ભથ્થા વધાર્યા છે? મોંઘવારી તો દરેક કામદારને નડી રહી છે. એ લોકો પારાવાર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. એટલે કામદારો પણ સમજે છે, તેમને પણ ઘર ચલાવવા માટે ખર્ચ કરવો પડી રહ્યો છે. તેઓ પણ માને છે કે આ ભાજપને ફેકવાનો સમય છે પરિવર્તન લાવવાનો સમય છે. આ વખતે કોંગ્રેસને હજારોની સંખ્યામાં લોકોનો પ્રતિસાદ મળ્યો છે, મળી રહ્યો છે. જયશ્રીબેન પટેલે ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે ભય ભૂખ અને ભ્રષ્ટાચારની ભાજપ સરકાર વિકાસની ખોટી વાતો કરે છે. જેની સામે અવાજ ઉઠાવવા આ છેલ્લો મોકો છે આ વાત પ્રજાને જણાવવા આ રેલીનું આયોજન કર્યું છે. તો ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવાર જયશ્રીબેન ને આયાતી ઉમેદવાર ગણાવતા હોવા અંગે જયશ્રીબેન એ પલટ વાર કર્યો હતો કે નરેન્દ્ર મોદી પણ વડોદરા અને વારાણસી માંથી ચૂંટણી લડ્યા છે. જો તે ત્યાંથી ચૂંટણી લડી શકતા હોય તો પારડી બેઠક પર તો મારા મમ્મી ચૂંટાઈ ચૂક્યા છે એટલે આયાતી જેવું અહીં કશું જ નથી. મોંઘવારી, જીએસટી, વીજળીના બિલમાં અહીંના જ નાણામંત્રીએ કરેલો યુનિટ દીઠ ભાવ વધારો, લોકોને પીસવાનું જે કામ કર્યું છે તેનાથી લોકો વાકેફ છે અને આ ચૂંટણીમાં પરિવર્તન લાવશે.