કોંગ્રેસ સંગઠન સચિવ કેસી વેણુગોપાલે જણાવ્યું કે ભારત જોડો યાત્રાના સમાપન બાદ યોજના પર ચર્ચા કર્યા બાદ કોંગ્રેસ પાર્ટીએ નિર્ણય લીધો છે કે 26 જાન્યુઆરીથી પાર્ટી દેશભરમાં હાથ સે હાથ જોડો અભિયાન શરૂ કરશે
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં મળેલી કોંગ્રેસ સંચાલન સમિતિની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે કોંગ્રેસનું ત્રણ દિવસનું અધિવેશન આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં છત્તીસગઢની રાજધાની રાયપુરમાં યોજાશે. સંગઠન સચિવ કેસી વેણુગોપાલે જણાવ્યું કે આ સંમેલન ફેબ્રુઆરીના બીજા પખવાડિયામાં યોજાશે. આ સત્રમાં કોંગ્રેસ પાર્ટી વિવિધ મુદ્દાઓ પર વિચારમંથન કરશે.
ભારત જોડો યાત્રા બાદ કોંગ્રેસનો પ્લાન
કોંગ્રેસ સંગઠન સચિવ કેસી વેણુગોપાલે જણાવ્યું કે ભારત જોડો યાત્રાના સમાપન બાદ યોજના પર ચર્ચા કર્યા બાદ કોંગ્રેસ પાર્ટીએ નિર્ણય લીધો છે કે 26 જાન્યુઆરીથી પાર્ટી દેશભરમાં હાથ સે હાથ જોડો અભિયાન શરૂ કરશે. કોંગ્રેસ સચિવે કહ્યું કે બે મહિના સુધી ચાલનારા આ અભિયાનમાં રાહુલ ગાંધીનો સંદેશો ધરાવતો પત્ર પણ લોકોને સોંપવામાં આવશે. જેમાં દેશભરમાંથી કોંગ્રેસના કાર્યકરો ભાગ લેશે. સ્ટીયરીંગ કમિટી દ્વારા મંથન કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ખડગેની અધ્યક્ષતામાં પ્રથમ બેઠક
કોંગ્રેસ પાર્ટીની સ્ટીયરિંગ કમિટીએ પાર્ટીના નવા અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક બાદ આગામી યોજના અંગે આ નિર્ણયો લીધા છે. ખડગેના અધ્યક્ષ બન્યા બાદ કોંગ્રેસ સંચાલન સમિતિની આ પ્રથમ બેઠક હતી. મલ્લિકા અર્જુન ખડગેએ પાર્ટીના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ સ્ટિયરિંગ કમિટીની રચના કરી હતી. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે શનિવારે પત્રકારોને જણાવ્યું હતું કે કૉંગ્રેસ સ્ટિયરિંગ કમિટીની બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય એ નક્કી કરવાનો છે કે અધિવેશન સત્ર ક્યારે યોજવામાં આવશે. આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે.
પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે બેઠકમાં ખડગેએ જવાબદારીની જરૂરિયાત પર ભાર મૂક્યો અને કહ્યું કે જેઓ તેમની જવાબદારી નિભાવવામાં અસમર્થ છે તેમણે નવા લોકોને તક આપવી જોઈએ. ખડગે ઉપરાંત, પાર્ટીના સંસદીય દળના વડા સોનિયા ગાંધી, વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમ, સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ અને અન્ય ઘણા નેતાઓ બેઠકમાં સામેલ થયા હતા. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાના વ્યસ્ત કાર્યક્રમના કારણે બેઠકમાં હાજર રહી શક્યા ન હતા.