પ્રાઇવેટ સેક્ટરની લેન્ડર HDFC બેંકે ફિનટેક સ્ટાર્ટઅપ મિન્ટોકમાં આશરે રૂપિયા 31.1 કરોડમાં નાનો હિસ્સો ખરીદ્યો છે. HDFC બેંકે બુધવારે, 14 ડિસેમ્બરના રોજ એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, તે રૂપિયા 9,711ના પ્રીમિયમ પર રૂપિયા 20ની ફેસ વેલ્યુના 21,471 ફુલ પેઇડ અપ કમ્પલ્સરી કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર્સ (CCPS) માટે સબસ્ક્રાઇબ કરશે. આમ CCPS દીઠ રૂપિયા 9,731 ચૂકવવામાં આવશે. પ્રાઇવેટ લેન્ડર મિન્ટોકના હાલના શેરધારકો પાસેથી પ્રતિ શેર રૂપિયા 9,731ના ભાવે કંપનીના 10,538 સંપૂર્ણ પેઇડ-અપ ઇક્વિટી શેર ખરીદશે. આ ડીલ પછી HDFC બેન્ક મિન્ટોકમાં 7.75 ટકા હિસ્સો ધરાવશે.
HDFC બેંકને શું ફાયદો થશે?
આમ, આ સોદા માટે મિન્ટોકનું મૂલ્ય 400 કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે. આ ફિનટેક સ્ટાર્ટઅપ તેના વેપારીઓને પેમેન્ટ અને વેલ્યુએડેડ સર્વિસ પ્રોવાઇડ કરે છે. આ રોકાણ સાથે HDFC બેંકની વેપારીઓ સાથે ડિજિટલ જોડાણ વધશે. લેન્ડરના જણાવ્યા અનુસાર, આ ટ્રાન્ઝેક્શન માટેના કરારો 13 ડિસેમ્બરે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
સોદો ક્યારે પૂરો થશે
મિન્ટોક એ એક ફિનટેક સ્ટાર્ટઅપ છે જે વેપારીઓને તેમના ગ્રાહકો સાથે જોડાવા માટે તેના પેમેન્ટ આધારિત પ્લેટફોર્મ દ્વારા વેલ્યુએડેડ સર્વિસ પ્રોવાઇડ કરે છે. 31 માર્ચ, 2022 ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ દરમિયાન મિન્ટોકનું ટર્નઓવર રૂપિયા 11.28 કરોડ હતું અને રૂપિયા 1.47 કરોડનો ચોખ્ખો નફો હતો.
આ ડીલ 31 જાન્યુઆરી, 2023ના રોજ પૂર્ણ થવાની સંભાવના છે. આ ટ્રાન્ઝેક્શન પછી બેંકનો કુલ હિસ્સો 10 ટકાથી ઓછો થઈ જશે, તેથી આ માટે રેગ્યુલેટરની મંજૂરી લેવાની જરૂર નથી.