સૌરાષ્ટ્રમાં રેલ્વેની સુવિધા સતત વધારવામાં આવી રહી છે ત્યારે વંદે ભારતની સુવિધા પણ આગામી સમયમાં સૌરાષ્ટ્રમાં શરુ થશે. વંદે ભારત ટ્રેનની સુવિધા આગામી જૂન સુધી શરુ થાય તેને લઈને પ્રયાસો તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે.
આ કામગિરી થતા ટ્રેનની કામગિર બનશે ઝડપી
રાજકોટ અને સુરેન્દ્રનગર વચ્ચે એક જ ટ્રેક હોવાથી સૌરાષ્ટ્રને ટ્રેનની વધુ સુવિધા મળતી નથી પરંતુ ડબલ ટ્રેક બનાવવાની કામગિરી થઈ રહી છે. ડબલ ટ્રેકનું કામ પૂર્ણ થતાં જ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રને વધુ ટ્રેનો ફાળવવામાં આવે તેવી દરખાસ્ત કરવામાં આવી છે.
વંદેભારત ટ્રેનને દેશભરમાંથી સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. ડબલ ટ્રેકનું કામ પૂર્ણ કરવામાં આવશે ત્યારે રાજકોટને પણ અન્ય રુટની જેમ જ વંદે ભારત ટ્રેનનો લાભ મળશે. સમગ્ર ભારતમાં વંદે ભારત ટ્રેનની માંગ કરાઈ રહી છે. તેમાં પણ ગુજરાતમાં અમદાવાદથી મુંબઈ વચ્ચેની વંદે ભારત ટ્રેન સફળ રહી છે જ્યાં દરરોજ વેઈટીંગ જોવા મળી રહ્યું છે.
દેશમાં 10 વંદે ભારત છે કાર્યરત
વંદે ભારત ટ્રેન દેશમાં શરુ થયાને 4 વર્ષ થયા છે. દેશમાં 10 વંદે ભારત ટ્રેન દોડી રહી છે. ગુજરાતમાં અમદાવાદ મુંબઈ બાદ અમદાવાદ ઉદયપુર પણ ટ્રેનની શરુઆત આગામી સમયમાં થવાને લઈને કવાયત હાથ ધરાઈ છે. અત્યારે 108 જિલ્લામાં 17 રાજ્યોમાંથી પસાર થાય છે. આવનાર દિવસોમાં 75 જેટલી વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવશે.