ઉત્તર કોરિયા દ્વારા થોડા દિવસો પહેલા કરવામાં આવેલા પરમાણુ મિસાઈલ પરીક્ષણને કારણે ઉત્તર કોરિયા, દક્ષિણ કોરિયા, ચીન અને જાપાનના લાખો લોકો રેડિયેશનથી પ્રભાવિત થઈ શકે છે. સિયોલ સ્થિત એક માનવાધિકાર સંગઠને મંગળવારે એક રિપોર્ટ જાહેર કરીને આ માહિતી સાર્વજનિક કરી છે
હવે ટ્રાન્ઝિશનલ જસ્ટિસ વર્કિંગ ગ્રૂપે પોતાના અભ્યાસમાં દાવો કર્યો છે કે આ રેડિયેશન હેમગ્યોંગ પ્રાંતની આસપાસના આઠ શહેરોમાં ફેલાઈ શકે છે. જેના કારણે ઉત્તર કોરિયાના લગભગ 10 લાખ લોકો પ્રભાવિત થઈ શકે છે. આ રેડિયેશન પીવાના પાણી, ખેતી કરતા લોકોને અસર કરી શકે છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે રેડિયેશનની અસર દક્ષિણ કોરિયા, ચીન, જાપાનના લોકો પર પણ પડી શકે છે કારણ કે જે વિસ્તારો રેડિયેશનથી પ્રભાવિત થશે, તેમના કૃષિ ઉત્પાદન અને માછલી ઉત્પાદનોને દાણચોરી દ્વારા આ દેશોમાં મોકલવામાં આવે છે.
જણાવી દઈએ કે જે માનવાધિકાર સંગઠને આ રિપોર્ટ તૈયાર કર્યો છે તેની સ્થાપના વર્ષ 2014માં થઈ હતી. ઘણા ન્યુક્લિયર અને મેડિકલ એક્સપર્ટ આ સંસ્થા સાથે જોડાયેલા છે. આ સંસ્થા ઈન્ટેલિજન્સ ઇનપુટ્સ અને સાર્વજનિક રીતે ઉપલબ્ધ માહિતીના આધારે તેના અહેવાલો તૈયાર કરે છે. આ સંસ્થા નેશનલ એન્ડોમેન્ટ ફોર ડેમોક્રેસી દ્વારા સંચાલિત છે, જે યુએસ કોંગ્રેસના બિન-લાભકારી કોર્પોરેશન છે.
વર્ષ 2015માં જ દક્ષિણ કોરિયાની ફૂડ સેફ્ટી એજન્સીને ચીનથી આયાત કરાયેલા મશરૂમ્સમાં 9 ગણું વધુ રેડિયેશન જોવા મળ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે આ મશરૂમ ખરેખર ઉત્તર કોરિયાથી ચીનમાં દાણચોરી કરીને ત્યાંથી દક્ષિણ કોરિયા પહોંચ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીન અને જાપાને પણ રેડિયેશનનો સામનો કરવા માટે વ્યવસ્થા મજબૂત કરી છે. નિષ્ણાતો કહે છે કે રેડિયેશનના કારણે લોકો કેન્સર વગેરે જેવી અનેક બીમારીઓની ચપેટમાં આવી શકે છે.