કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી એક સપ્તાહની બ્રિટનની મુલાકાતે ગયા છે. અહીં તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સંબોધન કરશે અને ભારતીય ડાયસ્પોરા સાથે વાર્તાલાપ પણ કરશે. રાહુલ ગાંધી વિદેશ જતાની સાથે જ તેમની કેટલીક તસવીરો સામે આવી છે
કેમ્બ્રિજ જજ બિઝનેસ સ્કૂલ (કેમ્બ્રિજ જેબીએસ)ના વિઝિટિંગ ફેલો રાહુલ ગાંધી તેમની 7 દિવસની બ્રિટન મુલાકાત દરમિયાન યુનિવર્સિટીમાં પ્રવચનો આપશે. કેમ્બ્રિજ જેબીએસએ મંગળવારે ટ્વીટ કર્યું, “અમારા કેમ્બ્રિજ MBA પ્રોગ્રામને ભારતના અગ્રણી વિપક્ષી નેતા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીનું સ્વાગત કરતાં ઘણો આનંદ થયો.” ઉલ્લેખનીય છે કે 3570 કિલોમીટર લાંબી ભારત જોડો યાત્રા દરમિયાન, રાહુલ કડકડતી ઠંડીમાં પણ માત્ર સફેદ ટી-શર્ટમાં યાત્રા કરી રહ્યા હતા.
કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીનું લેક્ચર
રાહુલ ગાંધી તેમના બ્રિટન પ્રવાસની શરૂઆતમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લેક્ચર આપશે. રાહુલ ગાંધી કેમ્બ્રિજની બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થી પણ રહી ચૂક્યા છે. અહીં તેઓ ‘લર્નિંગ ટુ લિસન ઇન ધ 21મી સેન્ચ્યુરી’ વિષય પર વિદ્યાર્થીઓને સંબોધિત કરશે. આ દરમિયાન રાહુલ ‘બિગ ડેટા એન્ડ ડેમોક્રેસી’ અને ‘ઇન્ડિયા ચાઇના રિલેશન્સ’ પર પણ ચર્ચા કરશે. આ ઉપરાંત કોંગ્રેસના સાંસદ ભારતીય ડાયસ્પોરાને પણ સંબોધિત કરશે.