વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશના ખાનગી ક્ષેત્રને રોકાણ વધારવા આહ્વાન કર્યું. તેમણે કહ્યું કે ભારતના કોર્પોરેટ જગતે રોકાણ વધારવું જોઈએ અને બજેટ 2023-24માં આપવામાં આવેલી તકોનો લાભ લેવો જોઈએ
કંપનીઓ પર ટેક્સનો બોજ ઘટાડ્યો
તેમણે કહ્યું કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી), આવકવેરા અને કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાથી દેશમાં ટેક્સનો બોજ નોંધપાત્ર રીતે નીચે આવ્યો છે. મોદીએ કહ્યું કે તેનાથી ટેક્સ કલેક્શનમાં પણ સુધારો થયો છે. 2013-14માં ગ્રોસ ટેક્સ રેવન્યુ આશરે 11 લાખ કરોડ રૂપિયા હતું, જે 2023-24માં 200 ટકા વધીને 33 લાખ કરોડ રૂપિયા થયું છે. વ્યક્તિગત ટેક્સ રિટર્નની સંખ્યા પણ 2013-14માં 3.5 કરોડથી વધીને 2020-21માં 6.5 કરોડ થઈ ગઈ છે. તેમણે કહ્યું, ‘ટેક્સ ચૂકવવો એ એક એવી ફરજ છે જે રાષ્ટ્ર નિર્માણ સાથે સીધી રીતે જોડાયેલી છે. ટેક્સ બેઝમાં વધારો એ વાતનો પુરાવો છે કે લોકો સરકારમાં વિશ્વાસ ધરાવે છે અને માને છે કે તેમના દ્વારા ચૂકવવામાં આવેલો ટેક્સ લોક કલ્યાણ માટે ખર્ચવામાં આવે છે.’
UPI સાથે વિશ્વમાં આપણી ઓળખ
તેમણે કહ્યું કે Rupay અને UPI એ સસ્તી અને અત્યંત સુરક્ષિત ટેકનોલોજી તેમજ વિશ્વમાં આપણી ઓળખ છે. નવીનતાના અવકાશને અપાર ગણાવતા વડાપ્રધાને કહ્યું કે UPI એ સમગ્ર વિશ્વ માટે નાણાકીય સમાવેશ અને સશક્તિકરણનું સાધન બનવું જોઈએ. તેમણે કહ્યું કે આપણે આ દિશામાં કામ કરવાનું છે.