બંગાળમાં ઘણી જગ્યાએ રામ નવમીના દિવસે શરૂ થયેલી હિંસા પર સીએમ મમતા બેનર્જીએ અમિત શાહ પર મોટો આરોપ લગાવ્યો છે. મમતા બેનર્જીએ કહ્યું કે જે થયું તે રમખાણ નથી, ગુનાહિત હિંસા છે. મમતાએ કહ્યું કે જે C.P.M. કરતી હતી, ભાજપ પણ એ જ કરી રહી છે. આ લોકો નંદીગ્રામ, ચોલાપુર હેડલિયાને ભૂલી ગયા છે.
મમતાએ કહ્યું કે મારે દરેક સમયે એલર્ટ રહેવું પડે છે કે બીજેપી ક્યારે અને ક્યાં જઈને રમખાણો કરાવી દેશે. આ લોકો નથી સમજતા કે બંગાળના લોકોને રમખાણો પસંદ નથી. રમખાણો એ બંગાળની સંસ્કૃતિ નથી. અમે રમખાણો નથી કરતા, સામાન્ય લોકો રમખાણો નથી કરતા, ભાજપથી નથી થઈ શકતું તો રમખાણો ભડકાવવા માટે તેઓ ભાડાંના લોકો લઈને આવે છે. રામનવમીમાં જે યુવકની તસવીર શસ્ત્રો લઈને જોવા મળતી હતી, સીપીએમ પણ આવું જ કરતી હતી. શું તમે CPM ના અત્યાચારો ભૂલી ગયા છો?
ખેજુરીમાં આયોજિત એક કાર્યક્રમમાં મમતાએ કહ્યું કે હિંસા એ બંગાળની સંસ્કૃતિ નથી. બહારથી ભાડાંના ગુંડા લઈને આવે છે ભાજપ અને બંગાળમાં શાંતિનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
એક દિવસ અગાઉ પણ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ પર આ રમખાણો માટે ફંડિંગ કરવાનો આરોપ લગાવ્યો. મમતા બેનર્જીએ કહ્યું કે, ભાજપ બંગાળમાં હિંસાને પ્રોત્સાહન આપવાની સાથે રમખાણોને ફંડ આપી રહી છે. સીએમએ કહ્યું કે લોકો અહીં આવ્યા અને ફાઈવ સ્ટાર હોટલમાં રોકાયા. તે પછી તેઓએ રમખાણો ભડકાવ્યા અને પછી ભાજપના નેતાઓ સાથે બેઠક કરીને પાછા ગયા.
ભાજપ પર મમતા બેનર્જીનો આરોપ
સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે હું તમારા માટે બધું કરીશ, પરંતુ તમને વિનંતી છે કે પંચાયત ચૂંટણી અને લોકસભા ચૂંટણી 2024માં ભાજપને વોટ ન આપો કારણ કે ભાજપ જ રમખાણો કરનાર પાર્ટી છે. ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે, ભાજપના લોકો દ્વારા જાણીજોઈને રાજ્યમાં લઘુમતી વિસ્તારોમાં પરવાનગી વગર રેલીઓ કાઢવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ગઈકાલે હુગલી જિલ્લાના અલગ-અલગ ભાગોમાં પણ હિંસા જોવા મળી હતી. ગઈકાલે સેરામપુર, રિસદા સહિત હુગલીના જુદા જુદા ભાગોમાં અથડામણ અને આગચંપી કરવામાં આવી હતી.
ખેજુરીના ઠાકુરનગર મેદાનમાં જનસભાને સંબોધતા મમતા બેનર્જીએ કહ્યું કે રામ નવમીની શોભાયાત્રા 5 દિવસ સુધી કેમ કાઢવામાં આવે છે? તહેવારના દિવસે શોભાયાત્રા કાઢી શકાય છે. અમને આની સામે કોઈ વાંધો નથી. પરંતુ તમારી સાથે હથિયારો લઈને ન જાઓ. આ દરમિયાન, તેમણે કહ્યું કે શોભાયાત્રા જાણીજોઈને લઘુમતી વિસ્તારમાંથી કાઢવામાં આવી હતી. ગઈકાલે રિસરામાં રેલી કાઢનારા લોકોમાંથી ઘણાના હાથમાં હથિયારો હતા. જણાવી દઈએ કે સરઘસમાં થયેલી હિંસા માટે અત્યાર સુધીમાં 45 લોકોની ધરપકડ કરવામાં આવી છે.