ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાવીર જયંતી નિમિત્તે જૈન સમાજના એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે મંગળવારે સવારે 10 વાગે વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા હતા. આ કાર્યક્રમ પતાવીને મુખ્યમંત્રી સાવલી ખાતે જવાના હતા. સાવલીમાં ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માટે મુખ્યમંત્રીને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જો કે, મુખ્યમંત્રી સાવલી જવા નીકળે તે પહેલા તેમના કાફલા આગળ ચાલતી વોર્નિંગ વાન ખોટકાઈ ગઈ હતી. આથી મુખ્યમંત્રીને વોર્નિંગ વાન વિના જ સાવલી જવું પડ્યું હતું.
સાવલીમાં સર્વજ્ઞાતિય લગ્નોત્સવમાં હાજરી આપવાની હતી
આજે રાજ્યભરમાં મહાવીર જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરા ખાતે જૈન સમાજ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા બાદ મુખ્યમંત્રીને સાવલી ખાતે ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા આયોજિત સર્વજ્ઞાતિય લગ્નોત્સવ કાર્યક્રમમાં હાજરી આપવાની હતી. આથી પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર વડોદરાનો કાર્યક્રમ પતાવીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાફલો સાવલી જવા નીકળ્યો હતો.
વારંવાર પ્રયાસ કરવા છતાં વોર્નિંગ વાન ચાલુ ન થઈ
જો કે, આ દમિયાન મુખ્યમંત્રીના કોન્વોયની આગળ ચાલતી વોર્નિંગ વાન ખોટકાઈ ગઈ હતી. વારંવાર પ્રયાસ કરવા છતાં પણ વોર્નિંગ વાન ચાલુ થઈ નહોતી. આથી પાઇલોટિંગની વોર્નિંગ વાનને સાઇડ પર કરીને મુખ્યમંત્રીનો કાફલો સાવલી જવા રવાના થઈ ગયો હતો. મીડિયા અહેવાલ મુજબ, વોર્નિંગ વાનમાં હાજર પોલીસકર્મીએ માહિતી આપી હતી કે, ગાડીમાં સેલ્ફ સ્ટાર્ટ લાગતો નહોતો. બધા પ્રયત્નો કરવા છતાં પણ કાર ચાલુ થઈ નહોતી. જ્યારે, આ મામલે વડોદરા પોલીસની ગંભીર બેદરકારી સામે આવી હોય તેવી ચર્ચાઓ થઈ રહી છે.