સુરતના ડીંડોલી વિસ્તારમાં સર્જાયેલા ગોઝારા અકસ્માતના હચમચાવે એવા CCTV ફૂટેજ સામે આવ્યા છે. પૂરપાટ ઝડપે આવતી એક કારે શાકભાજીની લારી લઈને જતા યુવકને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં યુવક હવામાં ફંગોળાઈને નીચે પટકાયો હતો, જેના કારણે યુવકને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. આ મામલે ડીંડોલી પોલીસે અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધી તેને પકડવા શોધખોળ હાથ ધરી છે.
સુરતના ડીંડોલી વિસ્તારમાં હિટ એન્ડ રનની એક ઘટના CCTVમાં કેદ થઇ છે. આ CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે, એક પૂરપાટ ઝડપે આવતા કારચાલકે લારીવાળા યુવકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જબરદસ્ત હતી કે યુવક લારી સાથે હવામાં ફંગોળાયો અને પછી નીચે પટકાયો હતો. આ અકસ્માતમાં યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. સ્થાનિકો લોકોએ યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં મદદ કરી હતી. જો કે, સારવાર દરમિયાન યુવકનો મોત નીપજ્યું છે.
પ્રાથમિક તપાસમાં કાર માલિક મૂળ ભાવનગરનો હોવાનું ખુલ્યું
બીજી તરફ અકસ્માત સર્જી કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ મામલે ડીંડોલી પોલીસે અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ આદરી છે. જ્યારે પ્રાથમિક તપાસમાં કારનો માલિક મૂળ ભાવનગરના પાલિતાણાનો રહેવાસી હોવાનું અને કાર વલસાડ પાર્સિંગની હોવાનું ખુલ્યું છે. જ્યારે મૃતકની ઓળખ 22 વર્ષીય અંકિત ગુપ્તા તરીકે થઈ છે. અંકિત શાકભાજીનો ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. અંકિતના પરિવારને અકસ્માતની જાણ કરવામાં આવી છે.