સિદ્ધપુર માર્કેટયાર્ડની ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે. ઉમેદવારી ફોર્મ ભરાવાની પ્રક્રીયા પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ ફરી એપ્રિલ મહિનામાં ચૂંટણીનો માહોલ પણ ગરમાયો છે. આગામી 17 એપ્રિલે ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે 18 એપ્રિલે પરિણામ પણ જાહેર કરાશે. ઉમેદવારોએ ફોર્મ ભર્યા બાદ ચૂંટણી પ્રક્રીયા પણ તેજ થઈ રહી છે.
વિધાનસભાની ચૂંટણીઓ બાદ રાજ્યમાં નાની મોટી સ્થાનિક લેવલની ચૂંટણીઓ એપીએમસી માર્કેટ સહીતની યોજાઈ રહી છે. ત્યારે સિદ્ધપુરમાં સિદ્ધપુર માર્કેટયાર્ડની ચૂંટણી માટે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આગામી 17 એપ્રિલના રોજ ચૂંટણી યોજાવા જઈ રહી છે જેને લઈને તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે.
સિધ્ધપુર માર્કેટ યાર્ડમાં વહીવટદાર શાસનનો અંત આવશે અને ચૂંટાયેલા ઉમેદવારો સત્તાની ધૂરા સંભાળશે
સિધ્ધપુર માર્કેટ યાર્ડમાં લાંબાસમયથી ચાલતા વહીવટદાર શાસનનો હવે અંત આવશે. સિદ્ધપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમા છેલ્લા કેટલાય સમયથી વહીવટદાર મુકવામાં આવેલ હતા ત્યારે હવે ગુજરાત સરકારના આદેશથી તા.20 જાન્યુઆરીના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરી ચૂંટણીની તારીખ જાહેર થતાં જ સહકારી માળખામાં રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે. આખરે ચૂંટણી પ્રક્રિયાઓ યોજાયા બાદ સિધ્ધપુર માર્કેટ યાર્ડમાં વહીવટદાર શાસનનો અંત આવશે અને ચૂંટાયેલા ઉમેદવારો સત્તાની ધૂરા સંભાળશે.
કુલ 16 બેઠકો માટે ચૂંટણી યોજવામાં
સિધ્ધપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં યોજાનારી ચૂંટણી પ્રક્રિયામાં બુધવારે તા.5 એપ્રિલ ઉમેદવારોએ ફોર્મ ભરવા કતારો લાગાવી હતી. સિદ્ધપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં ખરીદ વેચાણ વિભાગમાં 2 બેઠકો તેમજ ખેડૂત વિભાગમાં 10 અને વેપારી વિભાગમાં 4 બેઠકો મળી કુલ 16 બેઠકો માટે ચૂંટણી યોજવામાં આવશે. જેમાં બુધવારે ભરાયેલા ફોર્મ બાદ ગઈકાલે ગુરુવારે તારીખ 6 એપ્રિલના રોજ ફોર્મની ચકાસણી કરાશે અને તારીખ 10 એપ્રિલના ફોર્મ પરત ખેંચવાની પ્રકિયા હાથ ધરાશે. રાજ્ય સરકારના આદેશથી સિદ્ધપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની આગામી તારીખ 17 એપ્રિલના રોજ ચૂંટણી યોજાશે અને તારીખ 18 એપ્રિલના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર થશે.