જો આપણે આપણું નાણાકીય સંચાલન યોગ્ય રીતે નહીં કરીએ તો નાણાકીય કટોકટીમાં ફસાવવામાં લાંબો સમય નહીં લાગે. નાણાકીય સલાહકારોનું કહેવું છે કે કેટલીક નાની ભૂલોને કારણે લોકો આર્થિક સંકટમાં આવી જાય છે. ચાલો આજે જાણીએ એ ભૂલો વિશે જે આપણે સામાન્ય રીતે કરતા હોઈએ છીએ.
જો તમે ઈમરજન્સી ફંડ (emergency fund) નથી બનાવી રહ્યા તો તમે મોટી ભૂલ કરી રહ્યા છો. આ ભૂલ તમને ભવિષ્યમાં દેવામાં ડૂબાડી શકે છે. અચાનક મોટા ખર્ચાઓ, માંદગી અને નોકરી ગુમાવવાના કિસ્સામાં ઈમરજન્સી ફંડ ક્યારેક કામમાં આવે છે. આ ફંડ ના હોવા પર તમારે લોન લેવી પડશે. દેવાને લીધે તમે ન તો બચત કરી શકશો કે ન તો રોકાણ કરી શકશો.
આજે સારવાર ખૂબ મોંઘી થઈ ગઈ છે. એટલા માટે દરેક માણસ માટે મેડિકલ ઈન્શ્યોરન્સ હોવો જરૂરી છે. જો તમે સ્વાસ્થ્ય વીમાને નકામા ખર્ચ તરીકે ગણી રહ્યા છો, તો તમે ભૂલ કરી રહ્યા છો. બીમારી ક્યારેય પૂછીને નથી આવતી. જો તમે અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય બીમાર પડે છે, તો હેલ્થ ઈન્સ્યોરન્સ ના હોવા પર તમારે તમારા ખિસ્સામાંથી હોસ્પિટલનું મોટું બિલ ચૂકવવું પડશે. આ તમારી ફાઈનેન્શિયલ હેલ્થ માટે કોઈપણ રીતે યોગ્ય રહેશે નહીં.
ત્રીજી મની મિસ્ટેક છે, ટેક્સ પ્લાનિંગમાં વિલંબ. આ એવું કામ છે જે નાણાકીય વર્ષની શરૂઆતમાં જ કરવું જોઈએ. જો તમે આ કામને મુલતવી રાખશો અને વર્ષના અંત સુધી નહીં કરો તો તમને મોટું આર્થિક નુકસાન થવાનું નક્કી છે. પછી તમે ટેક્સ બચાવવા માટે ઉતાવળમાં ખોટી જગ્યાએ રોકાણ કરીને બેસી જશો. આ કારણે શક્ય છે કે ટેક્સ પણ ઓછો બચે અને તમને રિટર્ન પણ ન મળે.
લોનના હપ્તા સમયસર ભરવા ખૂબ જ જરૂરી છે. પરંતુ, ઘણા લોકો તેમાં બેદરકારી દાખવે છે. પરિણામે, તેઓ માત્ર દેવાની જાળમાં ફસાઈ જતા નથી, પરંતુ તેમનો ક્રેડિટ સ્કોર પણ બગડે છે. જેના કારણે તેમને ભવિષ્યમાં લોન મેળવવી પણ મુશ્કેલ બને છે. એટલા માટે તમામ પ્રકારની લોનની EMI સમયસર ભરો.
સમય સમય પર તમારી ક્રેડિટ રિપોર્ટ તપાસવી એ પણ એક મહત્વપૂર્ણ નાણાકીય કાર્ય છે. તેનાથી તમે કોઈ પણ લોનના હપ્તા વિશે જાણો છો જે ભૂલથી રહી ગયા છે. તેની સાથે જ આપણી સાથે થયેલા ફાઈનેન્શિયલ ફ્રોડને શોધવામાં પણ ક્રેડિટ રિપોર્ટ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એટલા માટે તેને મહત્વપૂર્ણ વસ્તુઓની યાદીમાં સ્થાન આપો.
જો તમે પણ મોંઘવારીને અવગણીને રિટાયરમેન્ટ પ્લાન બનાવી રહ્યા છો તો તમે ભૂલ કરી રહ્યા છો. રિટાયરમેન્ટ પ્લાનિંગ હંમેશા ફુગાવાને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ. તમારે જાણવું જોઈએ કે, તમને ભવિષ્યમાં કેટલા રૂપિયાની જરૂર પડશે. જો તમારો માસિક ખર્ચ આજે 20,000 રૂપિયા છે, તો 20 વર્ષ સુધી તમારું કામ 20,000 રૂપિયાથી શક્ય નહીં બને. આને ધ્યાનમાં રાખીને રોકાણ કરો.