થોડા સમય પહેલાં જ ભાર્ગવ ભટ્ટની ભાજપના પ્રદેશ સંગઠનમાંથી મહામંત્રી પદેથી હકાલપટ્ટી થયા બાદ પ્રદેશ સંગઠનમાં વધુ મોટા ફેરફારની ચર્ચા હાલ થઈ રહી છે. ત્યારે આ ચર્ચા વચ્ચે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ગુજરાત પ્રવાસ કરવાનું નક્કી કર્યું છે. સાથે જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ગુજરાત ભ્રમણ કરવાના હોય તેવા સમાચાર મળી રહ્યા છે. માહિતી મુજબ, વન ડે વિથ વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ હેઠળ ગુજરાત ભાજપના આ બંને નેતાઓ દરેકે જિલ્લાની મુલાકાત કરવાના છે.
પેજ સમિતિ મોડલની સમીક્ષા માટે ગુજરાત ભ્રમણ
જણાવી દઈએ કે, વિધાનસભા ચૂંટણી પહેલા જ સી.આર. પાટીલે વન-ડે ઇન વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમના નામે એક આખો દિવસ એક જિલ્લામાં પસાર કરવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે પાટીલ લોકસભા ચૂંટણી પહેલા પણ બૂથ લેવલ સુધી અને પેજ સમિતિના મોડલની સમીક્ષા કરવા માટે ગુજરાત ભ્રમણ કરી રહ્યા છે.
માહિતી મુજબ, આ દરમિયાન તેઓ સાંસદો, ધારાસભ્યો, સંગઠનના નેતાઓ અને બૂથ સમિતિ સુધીના કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે. જ્યારે મુખ્યમંત્રીનો ઉદ્દેશ્ય સરકારી યોજનાને સામાન્ય લોકો સુધી પહોંચાડવા પર આધારિત રહેશે. તેઓ પણ દરેકે જિલ્લામાં નવા પ્રકલ્પોના ઉદ્ઘાટન કરવા જિલ્લા સરકારી તંત્ર સાથે મુલાકાત કરીને વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. આ બેઠકોમાં પણ પાર્ટીના ચૂંટાયેલા પદાધિકારીઓ હાજર રહેશે.