મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની ગુજરાત સરકારે રાજ્યના જાહેર સાહસો પબ્લિક સેક્ટર અન્ડર ટેકિંગના મુલ્યાંકનમાં વધારા સાથે શેર હોલ્ડર્સને પણ લાભ થાય તેવી એક મહત્વપૂર્ણ પોલિસી જાહેર કરી છે.
રાજ્ય સરકારે લિસ્ટેડ કંપનીઓ અને રાજ્યના પબ્લિક સેકટર અંડર ટેકિંગ માટે શેર હોલ્ડર્સને ડીવીડન્ડ ડિસ્ટ્રીબ્યૂશન અને બોનસ શેર ઇસ્યુ કરવા માટે આ નવી પોલિસીની જાહેરાત કરી છે.
રાજ્ય સરકારના નાણાં વિભાગે આ સંદર્ભમાં તા.ર૪ એપ્રિલ-ર૦ર૩ ના જારી કરેલા ઠરાવમાં જણાવવામાં આવ્યું છે કે કરવેરા પછીના નફા (પ્રોફિટ આફ્ટર ટેક્સ)ના લઘુત્તમ 30% અથવા નેટવર્થના 5%, બેમાંથી જે વધારે હોય તે શેર હોલ્ડર્સ માટે જાહેર કરાયેલ ડિવિડન્ડનું મિનીમમ લેવલ હોવું જોઇએ.
સરકારી ઠરાવમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ માત્ર મિનિમમ લેવલ છે અને ડિવિડન્ડનું મેક્સિમમ પરમિસિબલ લેવલ જાહેર કરવું જોઈએ.
જેની નેટવર્થ ઓછામાં ઓછી રૂ.2000 કરોડ અને કેશ તેમજ બેંક બેલેન્સ ઓછામાં ઓછું રૂ.1000 કરોડ હોય, તેવા દરેક સ્ટેટ PSUને આ નવી પોલિસી અન્વયે પોતાના શેર્સ બાયબેક કરવાના વિકલ્પનો ઉપયોગ કરવાની પણ સૂચના આપવામાં આવી છે.
જે સ્ટેટ PSU પાસે પેઇડઅપ ઇક્વિટી શેર કેપિટલની ૧૦ ગણી રકમ જેટલી કે તેથી વધુ નિર્ધારીત રિઝર્વ અને સરપ્લસ છે એવા સ્ટેટ PSU એ તેમના શેર હોલ્ડર્સને બોનસ શેર ઇસ્યૂ કરવા જરૂરી છે એમ પણ આ નવી પોલિસીમાં સૂચવવામાં આવ્યું છે.
આ ઉપરાંત, નવી પોલિસી પ્રમાણે, જ્યારે સ્ટેટ PSUsના શેર્સની માર્કેટ પ્રાઇસ (બજાર કિંમત) અથવા તો તેની બુક વેલ્યુ (ચોપડે કિંમત) તેના મૂલ્યના 50 ગણા કરતા વધી જાય ત્યારે, રાજ્ય સરકારે આવા શેરનું વિભાજન ફરજિયાત કર્યું છે, પરંતુ આવા કેસમાં શેરની પ્રવર્તમાન ફેસ વેલ્યુ રૂ. ૧ કરતા વધુ હોવી જોઇએ તેવું પણ પોલિસીમાં ઠરાવવામાં આવ્યું છે.
શેરધારકો માટે ફરજિયાત ડિવિડન્ડ અને બોનસ શેર માટે જાહેર કરાયેલી આ નવી પોલિસીથી ગુજરાત રાજ્યના PSUsના મૂલ્યાંકનમાં વધારો થશે એવી અપેક્ષા રાખવામાં આવી છે. અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે હાલ ગુજરાતના તમામ ૭ લિસ્ટેડ PSU નફો કરી રહ્યા છે.