રાજસ્થાનના ભીલવાડા સ્થિત એક ગામમાં એક વિદ્યાર્થિનીને પાણીમાં પેશાબ ભેળવીને પીવડાવવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના બાદ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે અને બે પક્ષો વચ્ચે પથ્થરમારો પણ થયો છે. મામલો સંભાળવા માટે પોલીસે હળવો બળપ્રયોગ પણ કરવો પડ્યો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થળ પર પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો?
પોલીસના જણાવ્યા અનુસાર, શુક્રવારે આખો વિવાદ ત્યારે થયો, જયારે એક વિદ્યાર્થિનીને પાણીની બોટલમાં પેશાબ ભેળવીને પીવડાવી દેવામાં આવ્યો. આ આરોપ અન્ય સમુદાયના વિદ્યાર્થી પર લગાવવામાં આવ્યો. આ ઘટના વિશે વિદ્યાર્થિનીએ તેના પરિવારજનોને જણાવ્યું. આ ઘટના બાદ બે દિવસથી પોલીસ લોકોને સમજાવીને વિવાદનો અંત લાવવાનો પ્રયાસ કરી રહી હતી.
પરંતુ સોમવારે લુહારિયા બસ સ્ટેન્ડ પર આ વિવાદને કારણે બંને પક્ષના લોકો સામસામે આવી ગયા. તેમની વચ્ચે પથ્થરમારો પણ થયો અને પોલીસ જીપનો આગળનો કાચ પણ તૂટી ગયો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ બંને પક્ષો વચ્ચે ઊભી રહી. આ દરમિયાન પોલીસે હળવો બળપ્રયોગ પણ કર્યો. વાતાવરણ બગડવાની માહિતી મળતાં નજીકના પોલીસ સ્ટેશનો અને પોલીસ લાઇનમાંથી ASP, DSP, SHO સહિત વધારાની પોલીસ ફોર્સ લુહારિયા પહોંચી ગઈ. હાલમાં સ્થિતિ કાબુમાં હોવાનું કહેવાય છે.