ગત સપ્તાહે આમ આદમી પાર્ટી (આપ)માંથી એક સાથે 6 કોર્પોરેટરો પાર્ટી છોડીને ભાજપ સાથે જોડાયા હતા. ત્યારે હવે આપના વધુ બે કોર્પોરેટરે ભાજપમાં જોડાયા હોવાની માહિતી મળી છે.
સુરત આપના કોર્પોરેટર કનુ ગેડિયા અને અલ્પેશ પટેલે સત્તાવાર રીતે ભાજપનો કેસરિયા ખેસ ધારણ કર્યો હોવાની માહિતી મળી છે. આ બંને કોર્પોરેટરો પર ભાજપ પાસેથી નાણા લઈને પક્ષના અન્ય કોર્પોરેટરને લાલચ અને દબાણ કરતા હોવાનો આમ આદમી પાર્ટી દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આ બંને કોર્પોરેટરને આપ પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા બાદ શુક્રવારે સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા છે.
ભાજપ આપથી ડરે છે: ઇટાલિયા
આ સાથે હવે સુરતમાં આપ પાર્ટીના કોર્પોરેટરોની સંખ્યા ઘટીને 15 થઈ છે. જ્યારે અગાઉ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આપ પાર્ટી પાસે 27 બેઠક આવી હતી. ત્યારે અત્યાર સુધીમાં કુલ 12 કોર્પોરેટરે AAPનો છેડો ફાડી ભાજપમાં જોડાયા છે ત્યારે હવે આમ આદમી પાર્ટીના 15 કોર્પોરેટર બાકી રહ્યા છે. ભાજપની સ્થાયી સમિતિના ચેરમેને કહ્યું કે, તેમને ભાજપની વિચારધારા ગમે છે એટલે પાર્ટી સાથે જોડાયા છે. ત્યારે અન્ય કોઈ આવશે તો તેમને પણ જોડીશું તેમાં કોઈ પ્રશ્ન નથી. જ્યારે બીજી તરફ આપ પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ આરોલ લગાવતા કહ્યું હતું કે, રૂપિયાની લાલચમાં બધા ભાજપમાં જોડાય છે. આપથી ભાજપ ડરી રહી હોવાથી છલ-કપટની નીતિ અપનાવી કરી રહી છે.