સાબરમતી નદી પર બનેલા અને શહેરની નવી ઓખળ તરીકેના અટલ ફૂટ બ્રિજ પણ હવે મુલાકાતીઓને કઇંક અલગ જોવા મળશે. થોડા સમય પહેલા અટલ ફૂટ બ્રિજ પર કાચ પર તિરાડ પડી હતી. આથી રિવરફ્રન્ટ તંત્ર દ્વારા હવે કાંચને બદલીને તેની આસપાસ સ્ટીલની દીવાલ ઊભી કરવામાં આવી છે.
અટલબ્રિજ ફૂટ બ્રિજ પર જતા મુલાકાતીઓ હવે બ્રિજના કાચ પર ચાલી નહીં શકે. જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા અટલબ્રિજ પરનો કાચ તૂટી ગયો હતો. અટલ બ્રિજને ખુલ્લો મુક્યાના માત્ર સાત જ મહિનામાં કાચ તૂટી જતા કોર્પોરેશન તંત્ર દોડતું થયું હતું. ત્યારે હવે નવા કાચ લગાવી તેની ફરતે સ્ટીલની ગ્રીલ લગાવવામાં આવી છે. આથી હવે મુલાકાતીઓ બ્રિજના કાચ પર ચાલી નહીં શકે. જણાવી દઈએ કે, ફૂટ બ્રિજ પર અલગ-અલગ 8 જગ્યાએ કાચ લગાવવામાં આવ્યા છે, જેના પરથી ચાલીને અથવા ઊભા રહીને લોકો નદીના પાણીને જોઈ શકતા હતા. પરંતુ, હવે આ કાચની ફરતા સ્ટીલની દીવાલ ઊભી કરવામાં આવી છે.
કાચની કિંમત અંદાજે 70-80 હજાર રૂપિયા
જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 ઓગસ્ટ, 2022ના દિવસે અટલફૂટ ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું. અટલફૂટ ઓવર બ્રિજ પર રોજ હજારોની સંખ્યામાં લોકો મુલાકાત લેતા હોય છે. તહેવાર કે રજાના દિવસોમાં તો મુલાકાતીઓનો ભારે ઘસારો જોવા મળે છે. ત્યારે હવે કાચ પર ચાલવાની મજા મુલાકાતીઓને નહીં મળે. તિરાડ પડેલા કાચ સહિત તમામ કાચને બદલવામાં આવ્યા છે. એક કાચની કીંમત અંદાજે 70થી 80 હજાર માનવામાં આવી રહી છે. માનવામાં આવે છે કે આ કાચ 1500 કિલો જેટલું વજન સહન કરવાની ક્ષમતા ધરાવે છે. અટલ ફૂટ ઓવરબ્રિજને બનાવવામાં 74 કરોડનો ખર્ચ થયો હતો. આ બ્રિજનું વજન 2100 ટન છે, જેની 300 મીટર લંબાઈ અને 100 મીટર પહોંળાઈ છે.