અરવલ્લી જિલ્લાની એકમાત્ર કાયદાનું જ્ઞાન પીરસથી સંસ્થા એટલે મોડાસાની શ્રી. એન.એસ. પટેલ લો કોલેજ. મોડાસાની શ્રી. એન.એસ. પટેલ લો કોલેજનો વાર્ષિકોત્સવ ઉજવાયો હતો. મોડાસાના ભા.મા.શા હોલ ખાતે ધી. મ.લા.ગાંધી ઉચ્ચત્તર કેળવણી મંડળ સંચાલિત શ્રી. એન.એસ. પટેલ લો કોલજના વાર્ષિકોત્સવ અને ઈનામ વિતરણ કાર્યક્રમ માં ગુજરાત હાઈકોર્ટના જજ નિરઝર એસ.દેસાઈ, જજ ડી.એ.જોષી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
મોડાસાના ભામાશા હોલ ખાતે આયોજિત વિદ્યાશાખાના વિદ્યાર્થીઓના વિદાય સમારોહ તેમજ ઈનામ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થતિ રહેલા ગુજરાત હાઈકોર્ટના જજ નિરઝર દેસાઈએ સારા વકીલ કેવી રીતે બનવું અને શું ધ્યાન રાખવું તે અંગે વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. તેમણે ઉમેર્યું કે, મોટી સંખ્યામાં કાયદના વિદ્યાર્થીઓને વકીલ બનવા જઈ રહેલા વિદ્યાર્થીઓને જોઈએ તેઓ ખુશી વ્યક્ત કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, માત્ર એલ.એલ.બી. કરીને સમિતિ ન રહે પણ સારા વકીલ બને તે માટે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
સાયબર ક્રાઈમને લઇને જજ નિરઝર દેસાઈએ જણાવ્યું કે, સાયબર ક્રાઈમને લઇને સરકાર દ્વારા બહોળી રીતે પ્રસિદ્ધિ કરવામાં આવી રહી છે, આ માટે કડક કાયદા પણ બનાવાયા છે, જેમાં 3 વર્ષ થી લઇને લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈઓ કરવામાં આવી છે. આ માટે આઈ.ટી. એક્ટ પણ બનાવાયો છે. સાયબર ક્રાઈમની ઘટનાને લઇને લોકોમાં અવેરનેસ ખૂબ જ જરૂરી હોવાનું ઉમેર્યું હતું. તેમણે એમપણ જણાવ્યું કે, સમાજમાં જ્યાં સુધી જાગૃતતા નહીં આવે ત્યાં સુધી આવા લોકો સુધી પહોંચી શકાશે નહીં, માટે લોકોએ સાવચેત રહેવું ખૂબ જરૂરી છે.
અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા હાઈકોર્ટના જજ ડી.એ.જોષીએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. તેઓ મૂળ મોડાસા તાલુકાના લીંભોઈના વતની છે અને વર્ષો સુધી મોડાસામાં વકીલાતના વ્યવસાય સુધી સંકળાયેલા હતા ત્યારે તેઓની માતૃ અને કર્મભૂમિ પર આવતા તેમણે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, હવે લોકોમાં કાયદા પ્રત્યેની જાગૃતતા આવી છે. તેમણે જણાવ્યું કે, હવે કાયદાના વિદ્યાર્થીઓને જિલ્લાના હેડક્વાર્ટર ખાતે જ જિલ્લા કોર્ટમાં કામગીરી કરવાની તક મળી રહે છે.
શ્રી. એલ.એસ પટેલ લો કોલેજના વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન કરેલી સારી કામગીરી બદલ પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ યુનિવર્સિટીની પરીક્ષામાં સારા ગુણ મેળવનાર કાયદાના વિદ્યાર્થીઓને મેડલ અને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં શ્રી. એન.એસ. પટેલ લો કોલેજના આચાર્ય ડો. રાજેશ વ્યાસે અતિથિઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું, તો ડો. અશોક શ્રોફે કોલેજ તેમજ મંડળના અહેવાલનું વાંચન કરી કોલેજના કામગીરી અંગે જાણકારી આપી હતી, જ્યારે ડો. અલ્પાબેન ભટ્ટીએ કાર્યક્રમની આભારવિધી કરી હતી તો ડો. સોનિયા જોષીએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આ સાથે કાર્યક્રમને સફળ બનાવવા તમામ પ્રાધ્યાપક અને વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
શ્રી. એન.એસ.પટેલ લો કોલેજના વાર્ષિકોત્સવ અને ઈનામ વિતરણ કાર્યક્રમમાં ધી. મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના પ્રમુખ નવીનચંદ્ર મોદી. મંત્રી મહેન્દ્રભાઈ શાહ, સેક્રેટરી ધ્રુવભાઈ શાહ લો કોલેજના આચાર્ય ડો. રાજેશ વ્યાસ, ડો. અશોક શ્રોફ, ડો. અલ્પા ભટ્ટી, ડો. સોનિયા જોષી, પ્રો. મંજરીસિંગ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જ ટ્રસ્ટીઓ, તમામ કોલેજના આચાર્યો, વકીલ મિત્રો, સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ પ્રાધ્યાપકો તેમજ મોટી સંખ્યામાં કાયદાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.