સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘જેલર’ આ દિવસોમાં બોક્સ ઓફિસ પર જબરદસ્ત કલેક્શન કરી રહી છે. અભિનેતા સોશિયલ મીડિયા પર તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘જેલર’ને લઈને વધુ એક મુદ્દા માટે સમાચારમાં છે. રજનીકાંતે તાજેતરમાં અયોધ્યામાં રામ લલ્લાના દર્શન કર્યા . આ દરમિયાન તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત પણ કરી. આ મુલાકાત દરમિયાન સુપરસ્ટાર તેમના પગે પણ લાગ્યા હતા, જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ બાબતે કેટલાક લોકોએ હોબાળો શરૂ કરી દીધો. હવે આ મામલે થલાઈવાએ પ્રતિક્રિયા આપતા તેની પાછળની હકીકત જણાવી છે.
સુપરસ્ટારે આપ્યો જવાબ
લોકોનો સવાલ એ છે કે 72 વર્ષના રજનીકાંત 51 વર્ષના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પગે કેમ લાગ્યા? રજનીકાંત હાલમાં જ ચેન્નઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. જ્યારે પત્રકારોએ તેમને આ મામલે સવાલ કર્યો તો સુપરસ્ટારે આ મામલે પોતાનું મૌન તોડ્યું અને સીએમ યોગીના પગે લાગવાનું કારણ જણાવ્યું. રજનીકાંતે કહ્યું, ‘આ મારી આદત છે, પછી તે યોગી હોય કે સંન્યાસી… મારાથી નાના હોય તો પણ તેમના ચરણ સ્પર્શ કરવાની અને તેમના આશીર્વાદ લેવાની મારી આદત છે, તેથી મેં આવું જ કર્યું.’
રજનીકાંતની ધાર્મિક યાત્રા
તાજેતરમાં જ રજનીકાંત બાબા બદ્રી વિશાળના દર્શન કરીને સીધા લખનઉ પહોંચ્યા. ત્યાં તેમણે સૌપ્રથમ ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય સાથે મુલાકાત કરી. આ દરમિયાન રજનીકાંતની ફિલ્મ ‘જેલર’ની સ્પેશિયલ સ્ક્રીનિંગનું પણ આયોજન કરવામાં આવ્યું. આ સાથે તેમણે અયોધ્યામાં રામલલાના દર્શન પણ કર્યા અને પછી અખિલેશ યાદવને પણ મળ્યા. રજનીકાંતની આ ધાર્મિક યાત્રા ઘણી હેડલાઇન્સમાં રહી છે.
રજનીકાંતની ફિલ્મ કરી રહી છે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી
રજનીકાંતની ફિલ્મ ‘જેલર’ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે. ફિલ્મમાં રજનીકાંત ઉપરાંત મલયાલમ સુપરસ્ટાર મોહનલાલ અને શિવ રાજકુમાર પણ જોવા મળ્યા. આ ફિલ્મમાં તમન્ના ભાટિયા, રામ્યા કૃષ્ણા, પ્રિયંકા મોહન, યોગી બાબુ, વસંત રવિ અને વિનાયકન પણ છે.